સંજુની સુપર ફટકાબાજી, બૂમરાહની બૂમ, અક્ષરના અફલાતૂન કેચથી બન્યો મેચ
રવિવારે અમદાવાદમાં ફાઇનલ, ન્યૂઝીલેન્ડ સામે થશે ટક્કર
જેકોબની લડાયક સદીએ ભારતીયોને પરસેવો છોડાવી દીધો, અક્ષરના કેચથી પાસુ પલટાયું
જેકોબ બેથેલની શાનદાર અને લડાયક સદીને કારણે રોમાંચક બનેલી આઇસીસી ટી20 ક્રિકેટ વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ગઇકાલે ભારતે મજબૂત રમત દાખવીને ઇંગ્લેન્ડને સાત રનથી હરાવીને ફાઇનલમા પ્રવેશ કરી લીધો હતો. આ સાથે ભારતે સળંગ બીજા વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. ગઇકાલે રમાયેલી સેમિફાઇનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં સાત વિકેટે 253 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં જેકોબ બેથેલની લડાયક સદી છતાં ઇંગ્લેન્ડ તેની 20 ઓવરને અંતે 246 રન પર અટકી ગયું હતું. આમ આ મેચમાં બંને ટીમે મળીને 499 રન કર્યા હતા.
જેકોબ બેથેલે માત્ર 19 બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી. વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડમાં આ ઝડપી અડધી સદી હતી. હજી બુધવારે જ ન્યૂઝીલેન્ડના ફિન એલને સાઉથ આફિકા સામે 19 બોલમાં અડધી સદી ફટકારી હતી. તેણે 45 બોલમાં પોતાની સદી પણ પૂરી કરી હતી. ફિન એલન બાદ વર્લ્ડ કપની આ બીજી ઝડપી સદી હતી. છેલ્લી ઓવરમાં આઉટ થતાં અગાઉ બેથેલે 48 બોલમાં સાત સિક્સર અને આઠ ચોગ્ગા સાથે 105 રન ફટકાર્યા હતા. ઇંગ્લેન્ડની ઇનિંગ્સમાં હાર્દિક પંડ્યાએ તેની પહેલી ઓવરના પહેલા બોલે જ ખતરનાક ઓપનર ફિલ સોલ્ટને આઉટ કરી દીધો હતો તો હેરી બ્રુક પણ સસ્તામાં આઉટ થયો હતો. જોઝ બટલરે 17 બોલમાં 25 રન ફટકાર્યા હતા પરંતુ લાંબું ટકી શક્યો ન હતો. જેકોબ બેથેલે આવીને ઇંગ્લેન્ડ માટે વળતા પ્રહારની શરૂૂઆત કરી હતી.
બેથેલ અને વિલ જેક્સે પાંચમી વિકેટ માટે વિશાળ ભાગીદારી નોંધાવી હતી. આ વિકેટે ભારતીય કેમ્પમાં ચિતાંનું વાતાવરણ સર્જી દીધું હતું. જોકે 39 બોલમાં 77 રનની ભાગીદારી બાદ વિલ જેક્સે અર્શદીપના બોલે ડીપ પોઇન્ટ તરફ ઉછાળ્યો હતો. અક્ષર પટેલે લગભગ ડાઇવ લગાવીને બોલ પકડ્યો હતો પરંતુ તે બાઉન્ડ્રીની બહાર ચાલ્યો જાય તે અગાઉ તેણે બોલને મેદાનમાં જ ઉછાળી દીધો હતો અને શિવમ દૂબેએ આસાન કેચ ઝડપી લેતાં ભાગીદારી અને જેક્સની ઇનિંગ્સનો અંત આવ્યો હતો.
અગાઉ ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ આપતાં ભારતે શરૂૂઆતમાં અભિષેક શર્માની વિકેટ ગુમાવી હતી પરંતુ ત્યાર બાદ સંજુ સેમસન, શિવમ દૂબે અને હાર્દિક પંડ્યાએ મહત્વપૂર્ણ યોગદાન આપીને ભારતનો સ્કોર 253 સુધી પહોંચાડી દીધો હતો. આમ ભારતના મોટાભાગના બેટર્સે શાનદાર બેટિંગ કરી હતી. ભારતે હજી 26મી ફેબ્રુઆરીએ સુપર-8 તબક્કામાં ચેન્નાઈ ખાતે 256 રનનો સ્કોર રજૂ કર્યો હતો ગુરુવારે તેણે 253 રન નોંધાવ્યા હતા.
સંજુ સેમસને તેન મળેલા જીવતદાનનો ભરપુર લાભ ઉઠાવીને શાનદાર 89 રન ફટકાર્યા હતા. ટી20 વર્લ્ડ કપના નોકઆઉટ તબક્કામાં ભારત તરફથી આ સર્વોચ્ચ સ્કોર હતો. ત્રીજી ઓવરમાં સેમસન 13 રનના સ્કોરે રમતો હતો ત્યારે જોફરા આર્ચરની બોલિંગમાં મિડ ઓન પર ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે તેનો કેચ છોડયો હતો. આ કેચ ઇંગ્લેન્ડને ભારે પડી ગયો હતો. સેમસને ત્યાર બાદ જોફરા આર્ચરની બોલિંગમાં બે સિક્સર તથા કેટલાક ચોગ્ગા ફટકારી દીધા હતા. ભારતે તેની પહેલી દસ ઓવરમાં જ બે વિકેટે 119 રન કર્યા હતા જે દરમિયાન સેમસને 26 બોલમાં તેની અડધી સદી પૂરી કરી દીધી હતી. આ સાથે તેણે સળંગ બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે ડાઉસનની બોલિંગમાં આકર્ષક સિક્સર સાથે ત્રણ સિક્સર અને સાત ચોગ્ગા સાથે 26 બોલમાં પોતાના 50 રન પૂરા કર્યા હતા. જોકે અંતે 42 બોલમાં સાત સિક્સર અને આઠ ચોગ્ગા સાથે 89 રન ફટકારીને સંજુ સેમસન સ્પિનર વિલ જેક્સના બોલે આઉટ થઈ ગયો હતો.
સેમસન આઉટ થયો તે અગાઉ ભારતે ઇનિંગ્સની શરૂૂઆતમાં જ ઓપનર અભિષેક શર્મા (09) ની વિકેટ ગુમાવી દીધી હતી. તેને પણ વિલ જેક્સે જ આઉટ કર્યો હતો. ઇશાન કિશને આક્રમક બેટિંગ કરી હતી. તેણે માત્ર 18 બોલ રમીને 39 રન ફટકાર્યા હતા. જેમાં ચાર ચોગ્ગા અને બે સિકસર સામેલ હતી. શિવમ દૂબેને આ મેચમાં ચોથા ક્રમે મોકલવામાં આવ્યો હતો જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાંચમા ક્રમે રમવા આવ્યો હતો. સૂર્યા તો સસ્તામાં આઉટ થઈ ગયો હતો પરંતુ શિવમ દૂબેએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે 25 બોલમાં 43 રન ફટકાર્યા હતા જેમાં ચાર સિકસર સામેલ હતી. જોકે અંતે હાર્દિક પંડ્યા સાથે થયેલી ગેરસમજમાં તે રનઆઉટ થયો હતો.
આદિલ રશિદની બોલિંગમાં અત્યાર સુધીમાં 200 છગ્ગા લાગ્યા
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રનનો તોફાન ફાટી નીકળ્યો. ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું, 20 ઓવરમાં 253 રન બનાવ્યા. ભારતના બેટ્સમેનોએ તેમની ઇનિંગમાં રેકોર્ડબ્રેક 19 છગ્ગા ફટકાર્યા. છગ્ગાના આ વરસાદ દરમિયાન, ઇંગ્લેન્ડના બોલર આદિલ રશીદે એક એવો રેકોર્ડ બનાવ્યો જે કોઈ પણ ખેલાડી ઇચ્છશે નહીં. આદિલ રશીદે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 200 છગ્ગા ખાધા છે. તે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આટલા બધા છગ્ગા ખાનાર પ્રથમ ખેલાડી છે. ભારત સામેની મેચમાં આદિલ રશીદને કુલ ચાર છગ્ગા પડ્યા હતા, જેનાથી છગ્ગાની બેવડી સદી પૂર્ણ થઈ. જોકે, આદિલ રશીદે ચાર ઓવરમાં 41 રન આપ્યા અને બે વિકેટ લીધી. ઇંગ્લેન્ડના બોલરોને જે રીતે ફટરાવવામાં આવ્યા તે જોતાં આ આંકડા વાજબી છે.
