મોરબી-અમદાવાદ-મહેસાણામાં ITનું મેગા ઓપરેશન

35 સ્થળે 150થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટકયો, રાધે-ટ્રોગન- ધરતી ગ્રૂપ, ચાવડા ઇન્ફ્રાસ્ટ્રકચર, સોહમ કોલ અને તિર્થક પેપર મિલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ ગુજરાતમાં ઉતર ગુજરાત,…

35 સ્થળે 150થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટકયો, રાધે-ટ્રોગન- ધરતી ગ્રૂપ, ચાવડા ઇન્ફ્રાસ્ટ્રકચર, સોહમ કોલ અને તિર્થક પેપર મિલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસ

ગુજરાતમાં ઉતર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભાજપના નેતાઓ સાથે સંકળાયેલા લોકોના રિયલ એસ્ટેટ, કોલસા અને પેપર મીલ સહીતના વ્યવસાયીક સ્થળો ઉપર આજે સવારથી ઇન્કમટેકસ દ્વારા મોટા પાયે દરોડા પાડવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામેલ છે. ઇન્કમટેકસ વિભાગના 150 થી વધુ અધિકારીઓના કાફલાએ આજે મહેસાણા, હિંમતનગર, અમદાવાદ અને મોરબી સહીતના શહેરોમાં 35 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કરતા મોટી કરચોરી બહાર આવવાની શકયતા દર્શાવાય છે.


મળતી માહિતી મુજબ મહેન્દ્ર પટેલના મહેસાણાના રાધે ગૃપ, અમદાવાદના ટ્રોગન- ધરતી અને ચાવડા ઇન્ફ્રાસ્ટ્રકચર ગૃપ, હિંમતનગરમાં રાધે ગૃપના ભાગીદારો તેમજ રાજકોટના પૂર્વ સાંસદના મોરબી ખાતે આવેલ તિર્થક પેપર મીલ સહીતના સ્થળોએ આજે સવારથી ઇન્કમટેકસ વિભાગ ત્રાટકયું છે. આ ઉપરાંત અમદાવાદના સોહમ કોલ ગૃપના ભાગીદારોને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


મળતી વિગતો મુજબ રાજકોટ આવકવેરા વિભાગ ઉપરાંત મહેસાણા અમદાવાદના આવકવેરા વિભાગની ટીમે રાજ્યભરમાં 35 સ્થળે દરોડા પાડ્યા છે. પેપરમીલ, કોલ, ઉદ્યોગ અને રિયલ એસ્ટેટ તેમજ ઈન્ફાસ્ટ્રક્ચર સાથે જોડાયેલ ગ્રુપો ઉપર આવકવેરા વિભાગની ટીમે આજે સવારથી જ મોટા પાયે દરોડા પાડ્યયા છે. મોરબીના લીલાપર ચોકડીએ આવેલ તિર્થક પેપરમીલના માલીક કિરીટભાઈ ફુલતરિયા અને તેના સાત ભાગીદારોને ત્યાં રાજકોટ આવકવેરાવિભાગની ટીમ ત્રાંટકી હતી. તેની સાથે અમદાવાદના સોહમ કોલ કે જેનું મોરબી ખાતે એક યુનિટ આવેલ હોય તેને ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. સોહમ કોલના રાકેશ પટેલ, કૌશલ પટેલ અને ગણપત પટેલ સાથે મોરબી યુનિટમાં આવકવેરા વિભાગની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે.


છેલ્લા ઘણા વખતથી શાંત પડેલ આવકવેરા વિભાગની ટીમ ફરી સક્રિય થઈ છે. અને એક સાથે રિયલએસ્ટેટ, કોલ અને પેપર ઉદ્યોગ સાથે જોડાયેલા મોટા ગ્રુપોને ત્યાં બેનામી વ્યવહારો શોધવા તપાસ શરૂ કરવામાં અવાી છે. રાજકોટ આવકવેરા વિભાગના અધિકારી જઈદ અંસારી અને તેમની ટીમે મોરબીમાં દરોડા પાડ્યા હતા. જ્યારે સૌરાષ્ટ્ર ઉપરાંત મધ્યગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ આવકવેરા વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. જેમાં મહેસાણાના રાધે ડેવલોપર્સને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. રાધે ડેવલપર્સના મહેન્દ્ર પટેલને ત્યાં અને ભાગીદારોને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. મહેસાણા ઉપરાંત િહિંમતનગર અને ગાંધીનગરમાં પણ આવકવેરા વિભાગની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. 150થી વધુ અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે રાજ્યભરમાં વહેલી સવારથી જ તપાસ માટે દોડી ગયા હતાં. રાધે ગ્રુપ સાથે અમદાવાદના ચાવડા ઈન્ફાસ્ટ્રક્ચરને ત્યાં પણ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ચાવડા ઈન્ફાસ્ટ્રક્ચરના મહેશ ચાવડા, દર્શિલ શાહ અને ગોપાલ રામી અને પાર્થ ગજ્જરને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


ઉપરાંત અમદાવાદના ટ્રોગન ગ્રુપ અને ધરતી ગ્રુપને ત્યાં આવક વેરા વિભાગની ટીમે સર્ચ ઓપરેશન કરી મહેન્દ્ર પટેલના મહેસાણા ખાતે તેમજ હિંમત નગર ખાતે તેના ભાગીદારને ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે. રાજકોટના પૂર્વ સાંસદના મોરબી ખાતેના તેના જમાઈને ત્યાં દરોડા પડતા સોપો પડી ગયો હતો. અમદાવાદના પ્રોગન ગ્રુપના નિરજ શાહ તથા પ્રણવ પટેલ સહિતના તેના ભાગીદારોને ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ, મોરબી અને મહેસાણામાં આવકવેરા વિભાગના આ મેગા સર્ચ ઓપરેશનમાં મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા છે.

આજે સર્ચ ઓપરેશન શરૂ થયું છે જે હજુ પણ સપ્તાહ સુધી ચાલુ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે.
આવકવેરા વિભાગે મોરબી, અમદાવાદ અને મહેસાણામાં અલગ અલગ 35થી વધુ સ્થળે પાડેલા દરોડામાં બેન્ક લોકર તેમજ ઓફિસ અને ઘરે જરૂરી દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે. અને તપાસ દરમિયાન મોટી કરચોરી બહાર આવે તેવી શક્યતા છે.

કોણ કોણ આવક વેરા વિભાગના ઝપટે ચડ્યું

આવકવેરા વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યુ છે જેમાં મોરબીના તિર્થક ગ્રુપના કિરિટભાઈ ફૂલતરિયા સાથે તેના ભાગીદારો પ્રવિણભાઈ કાસુનદ્રા, અરવિંદભાઈ પટેલ, વિપુલભાઈ પાડલિયા, જીવરાજભાઈ પટેલ, વિશાલ ફુલતરિયા, નરેશભાઈ ફુલતરિયા, જીવરાજભાઈ કાસુન્દ્રા જ્યારે રાધે ગ્રુપના મહેન્દ્ર પટેલ અને તેના ભાગીદારો સોહમ કોલના રાકેશ પટેલ,કૌશલ પટેલ અને ગણપત પટેલ ત્યારે ટ્રોગન ગ્રુપના નિરજ શાહ, પ્રણવ પટેલ, મુકુંદ પરસાલા, જોશીલ ચાવડા અને રૂચિત શાહ જ્યારે ચાવડા ઈન્ફાસ્ટ્રક્ચરના મહેશ ચાવડા, દર્શિલ શાહ, ગોપાલ રામી, પાર્થ ગજ્જરને ત્યાં આવકવેરા વિભાગની ટીમ ત્રાંટકી હતી આ ઉપરાંત આ ગ્રુપ સાથે જોડાયેલા તેના અન્ય ભાગીદારોને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *