ગુજરાત સરકારે સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે ચાલતી પ્રાથમિક તપાસ(Preliminary Inquiry)ની પ્રક્રિયામાં ઐતિહાસિક સુધારો કર્યો છે. સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર હવેથી કોઈપણ પ્રાથમિક તપાસ ત્રણ મહિનામાં પૂર્ણ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે.
આ ફેરફારથી વર્ષોથી ચાલતી તપાસોના વિલંબને અંકુશમાં લાવવાનો સરકારનો પ્રયાસ છે.નવા નિયમો અનુસાર, પ્રાથમિક તપાસ અને હકીકતલક્ષી અહેવાલ (Fact-finding Report)તૈયાર કરવાની કામગીરી સામાન્ય સંજોગોમાં મહત્તમ 3 મહિનામાં પૂર્ણ કરવાની રહેશે. જો કોઈ વિશેષ કે અસાધારણ સંજોગો હોય તો માત્ર સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરીથી જ સમય વધારી શકાશે. આ સાથે તપાસ પૂર્ણ થયા બાદ 30 દિવસની અંદર આરોપપત્ર (Charge-sheet) દાખલ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. નવી માર્ગદર્શિકામાં નિવૃત્ત થયેલા અધિકારીઓ અને કર્મચારીઓના લાંબા સમયથી પડતર પડેલા કેસો અંગે પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. આનાથી નિવૃત્તિ બાદ પેન્શન, ગ્રેચ્યુઈટી જેવા લાભો મેળવવામાં થતા અનાવશ્યક વિલંબને અટકાવવામાં મદદ મળશે.
આ સુધારાનો મુખ્ય હેતુ વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને સુગ્રથિત બનાવવાનો છે. અત્યાર સુધી ઘણી તપાસો વર્ષો સુધી ચાલતી હતી, જેના કારણે નિર્દોષ કર્મચારીઓને બિનજરૂૂરી હેરાનગતિનો સામનો કરવો પડતો હતો. નવા નિયમો આ સમસ્યાને મૂળમાંથી દૂર કરશે. સામાન્ય વહીવટી વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, આ માર્ગદર્શિકા અમલમાં આવ્યા બાદ તપાસ પ્રક્રિયામાં નોંધપાત્ર સુધારો જોવા મળશે. વિલંબ કરનાર અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે.આ નિર્ણયને ગુજરાતના સરકારી કર્મચારીઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. વિવિધ કર્મચારી સંઘોના આગેવાનોએ આને લાંબા સમયની માંગણીનું પરિણામ ગણાવ્યું છે.
