પોલીસને મળેલી અરજીઓ અંગે સ્થ્ાાનિક પોલીસના અભિપ્રાય બાદ જ મંજૂરી, નિયમોમાં કોઈ છૂટછાટ નહીં, ફરિયાદ મળશે તો આયોજકો વિરુદ્ધ કાર્યવાહી
પાર્ટીઓમાં ખાનગી ડ્રેસમાં પોલીસ અને સી ટીમ બનશે મહેમાન, પાર્ટી પ્લોટ અને ફાર્મહાઉસ ઉપર ડ્રોન કેમેરાથી નજર રખાશે
31 ડિસેમ્બરે આજે શહેરમાં અલગ અલગ સ્થળોએ ડાન્સ અને ડિનરની પાર્ટીના અલગ અલગ આયોજનો કરવામાં આવ્યા છે ત્યારે આવી પાર્ટીઓને લઈને પોલીસમાં કરેલી અરજીઓ બાબતે હજુ સુધી ચકાસણી કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ ગુજરાત મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, થર્ટીફર્સ્ટમાં મંજુરી વિનાની પાર્ટીઓ યોજવા ઉપર મનાઈ છે. છતાં પણ જો કોઈ મંજુરી વિના પાર્ટીનું આયોજન કરશે તો પોલીસ તેના પર નજર રાખશે અને નિયમોનો ભંગ કરનાર આયોજકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે. હાલ પોલીસને મળેલી 9 અરજીઓ અંગે સ્થાનિક પોલીસનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો છે અને સંભવત સાંજ સુધીમાં 9 આયોજકોને મંજુરી આપવામાં આવશે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ ગુજરાત મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, થર્ટીફર્સ્ટ ડિસેમ્બરને લઈને રાજકોટ વાસીઓમાં અનેરો ઉત્સાહ છે ત્યારે થર્ટીફર્સ્ટના આયોજન બાબતે પોલીસ કોઈ પણ બાંધછોડ કરશે નહીં નિયમોનું પાલન આયોજકોએ કરવું જ પડશે થર્ટીફર્સ્ટના આયોજનને લઈને તમને જણાવ્યું કે, રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ યોજાતી થર્ટીફર્સ્ટની પાર્ટીઓના આયોજકોએ મંજુરી લેવી ફરજિયાત છે જો કોઈ મંજુરી વિના આયોજન કરશે અને આ આયોજન બાબતની ફરિયાદ પોલીસને મળશે તો તેના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરશે અને હાલ અલગ અલગ 9 જેટલી અરજીઓ પોલીસને મળી છે. જે અંગે સ્થાનિક પોલીસને જરૂરી દસ્તાવેજો અને નિયમો અંગેની ચકાસણી કરવા માટે અરજીઓ પોલીસ સ્ટેશને મોકલવામાં આવી છે. અભિપ્રાય બાદ સાંજ સુધીમાં મંજુરી આપવામાં આવશે.
થર્ટીફર્સ્ટ દરમિયાન ખાસ કરીને યુવા વર્ગ ઉજવણીની આડમાં નશાના રવાડે ન ચડે તેની પોલીસ ખાસ તકેદારી રાખશે આજે થર્ટીફર્સ્ટના આયોજનને લઈને પોલીસનો ખાસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા આજે ખુદ ચેકીંગ માટે મેદાને ઉતરશે. ડ્રગ્સનું સેવન કરનાર અને નશાખોરોને પકડવા માટે પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. ડ્રગ્સ ડિટેક્શન, એનેલાઈઝર મશીન અને બ્રેથ એનેલાઈઝર મશીનનો ઉપયોગ કરી પોલીસ નશાખોરોનું ચેકીંગ કરી કાર્યવાહી કરશે ઉપરાંત શહેરના અલગ અલગ સ્થળોએ યોજાતી થર્ટીફર્સ્ટની પાર્ટીઓમાં મહિલા પોલીસની સીટીમ તેમજ જે તે પોલીસ મથકનો ડિસ્ટાફ ખાનગી ડ્રેસમાં મહેમાન બનીને આવી પાર્ટીઓ ઉપર ખાસ વોચ રાખશે. તેમજ શહેરના અલગ અલગ વિસ્તારો અને ખાસ કરીને રાજકોટ શહેરની ભાગોળે ફાર્મહાઉસમાં યોજાતી મહેફીલો ઉપર પોલીસ ડ્રોનથી નજર રાખશે.
