ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આજે સવારે ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 200 લોકો માર્યા ગયા છે. યુદ્ધવિરામ બાદ ગાઝામાં કરવામાં આવેલો આ સૌથી મોટો હુમલો છે. જેમાં આટલા લોકોના મોત થયા છે. આ સાથે જ હમાસે ચેતવણી આપી છે કે ગાઝામાં ઈઝરાયેલના નવા હુમલા યુદ્ધવિરામનું ઉલ્લંઘન છે અને તેનાથી બંધકોના જીવને જોખમ થઈ શકે છે.
પેલેસ્ટિનિયન અધિકારીઓએ આ હુમલામાં ઓછામાં ઓછા 200 લોકોના મોતની જાણ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જાન્યુઆરીમાં યુદ્ધવિરામ લાગુ થયા બાદ ગાઝામાં આ સૌથી ખરાબ હુમલો છે. બીજી તરફ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે યુદ્ધવિરામને લંબાવવાની વાટાઘાટોમાં કોઈ ખાસ પ્રગતિ ન થવાને કારણે તેમણે હુમલાનો આદેશ આપ્યો હતો. નેતન્યાહુના કાર્યાલયે કહ્યું કે ઈઝરાયેલ હવે સૈન્ય તાકાત વધારીને હમાસ વિરુદ્ધ કાર્યવાહી કરશે. ઇઝરાયેલે હમાસ દ્વારા બંધકોને મુક્ત કરવાનો સતત ઇનકારને હવાઈ હુમલાનું કારણ ગણાવ્યું હતું. ઈઝરાયેલે હમાસના આતંકવાદીઓ પર હવાઈ હુમલા કરવાની વાત કરી હતી.
તે જ સમયે, ઇઝરાયેલ હુમલા બાદ ગાઝા પટ્ટીમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. હમાસે ઈઝરાયેલ પર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. હમાસે એક નિવેદન જારી કરીને કહ્યું કે નેતન્યાહુ અને તેની કટ્ટરવાદી સરકારે યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે, જેનાથી બંધકોના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળો છવાઈ ગયા છે.
ઈઝરાયેલે બુરેજી વિસ્તારમાં આવેલા શરણાર્થી કેમ્પ પર હુમલો કર્યો હતો. વિસ્થાપિત પેલેસ્ટિનિયનોએ એક શાળામાં આશ્રય લીધો હતો, તે શાળાને પણ નિશાન બનાવવામાં આવી હતી. હુમલા પહેલા ઈઝરાયલે ગાઝામાં ખોરાક, દવા, ઈંધણ વગેરેનો સપ્લાય પણ બંધ કરી દીધો છે, જેના કારણે ગાઝામાં ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. આ હુમલા એવા સમયે થયા છે જ્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરારના બીજા તબક્કાની વાતચીત થઈ રહી છે.