બેટિંગમાં અભિષેક અને બોલિંગમાં વરૂણ ચક્રવર્તી નંબર વન
હમણાં ઇશાન કિશનની જ બોલબાલા છે, કારણકે જેની મહિનાઓથી રાહ જોવાતી હતી એ પાકિસ્તાન સામેના જંગમાં તેણે 40 બોલમાં 77 રનની શાનદાર ઇનિંગ્સથી ભારતને વિજય અપાવ્યો હતો અને આ ઇનિંગ્સને લીધે તે 17 ક્રમની છલાંગ લગાવીને આઠમા નંબર પર આવી ગયો છે. તેણે હાલના ટી-20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ત્રણ મેચમાં કુલ 158 રન કર્યા છે જેમાં 52.66 બેટિંગ-ઍવરેજ અને 197.50 સ્ટ્રાઇક-રેટ છે.
ઇશાન કિશનના આ 158 રનમાં બે હાફ સેન્ચુરી છે અને તેણે ત્રણ મેચમાં 10 છગ્ગા અને 17 ચોગ્ગા માર્યા છે. બુધવારે આઇસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા નવા રેન્કિંગ અનુસાર અભિષેક શર્મા થોડા અઠવાડિયાથી નબળી બેટિંગ કરે છે એમ છતાં તેણે ટી-20ના બેટ્સમેનોમાં નંબર-વનની રેન્ક જાળવી રાખી છે.
ભારતનો જ તિલક વર્મા એક સ્થાન આગળ આવીને હવે ચોથા નંબર પર આવી ગયો છે. પાકિસ્તાનનો ઓપનિંગ બેટ્સમેન સાહિબઝાદા ફરહાન પાંચમા ક્રમે છે. ભારતનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ હજી છઠ્ઠા નંબર પર જ છે. તેના રેન્કિંગમાં કોઈ ફેરફાર નથી થયો. પાકિસ્તાનનો જ બીજો ઓપનર સઇમ અયુબ ટી-20નો નંબર-વન ઑલરાઉન્ડર બની ગયો છે. બોલિંગમાં ભારતનો વરુણ ચક્રવર્તી હજી પણ વર્લ્ડ નંબર-વન છે.
