દુલીપ ટ્રોફીની ફાઇનલમાં ઇશાન કિશને એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં ક્યારેય જોવા મળ્યું નથી. ડાબા હાથના આ બેટ્સમેને સાઉથ ઝોન સામે બંને ઇનિંગ્સમાં મળી રેકોર્ડબ્રેક 350 રન બનાવ્યા છે.
ઈશાન કિશન દુલીપ ટ્રોફીમાં એક મેચમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. ઈસ્ટ ઝોનના કેપ્ટને સાઉથ ઝોન સામેની પ્રથમ ઇનિંગમાં 270 રન બનાવ્યા હતા, અને ત્યારબાદ બીજી ઇનિંગમાં 80 રન બનાવ્યા હતા. ઇશાન કિશને ભૂતપૂર્વ વિકેટકીપર દિનેશ કાર્તિકનો રેકોર્ડ તોડ્યો હતો. 16 વર્ષ પહેલાં દિનેશ કાર્તિકે વેસ્ટ ઝોન સામેની મેચમાં 333 રન બનાવ્યા હતા.
આ રેકોર્ડ હવે ઇશાન કિશને પોતાના નામે કરી લીધો છે. દુલીપ ટ્રોફી મેચમાં ઈશાન કિશન ઉપરાંત, રમણ લાંબાએ 320 રન, યુસુફ પઠાણે 318 રન અને કેએલ રાહુલે 315 રન બનાવ્યા છે. ઇશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ, પ્રથમ ઇનિંગની લીડના આધારે, ઈસ્ટ ઝોન સાઉથ ઝોન સામે જીતશે તે નિશ્ચિત છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને ઝ20 વર્લ્ડ કપ પછી, ઇશાન હવે દુલીપ ટ્રોફી પણ જીતવા માટે તૈયાર છે. ઇશાને ત્રણેય ફાઇનલમાં બેટથી મેચવિનિંગ યોગદાન આપ્યું છે.
