અમુક લોકો યાત્રિક દીઠ રૂા. 200 માંગતા હોવાનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ, કડક સુરક્ષા વચ્ચે ધર્મનો વેપલો?
અમુક ભૂદેવોએ કૃત્યને વખોડી કાઢયું, અમુકે ખોટા અર્થઘટનનો બચાવ કર્યો; દેવ સ્થાન સમિતિનું ‘ન રોવા કુંજરો વા’ જેવુ વલણ
ન્યુ યરના મીની વેકેશનના કારણે યાત્રાધામ દ્વારકામા દર્શનાર્થીઓ અને યાત્રિકોનો ભારે ધસારો જોવા મળી રહયા છે ત્યારે વી.આઇ.પી. દર્શનનો વીડિયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે. જો કે, આ વીડિયો અંગે ગુજરાત મિરર કોઇ પુષ્ટી કરતુ નથી.
વાયરલ થયેલ વીડિયોમાં એક યાત્રિક અન્ય ત્રણ વ્યકિત સાથે વી.આઇ.પી. દર્શન માટે વાતચીત કરે છે અને સામેનો વ્યકિત છ લોકોને વીઆઇપી દર્શન કરાવી દેવા માટે રૂા. 1ર00 માંગી રહયો છે. જયારે પૂજારીના કપડા પહેરેલા અન્ય બે વ્યકિત છ લોકોના સ્પેશિયલ દર્શન માટે રૂા. 1100ની રકમ માંગતા સંભળાય છે. આ પૈકી એક વ્યકિત તો દ્વાર ખૂલે કે તુરત જ દર્શન કરાવી દેવાનું પણ પ્રલોભન આપતો સંભળાય છે.
આ વીડિયો વાયરલ થતા દેવસ્થાન સમિતિ અને ભૂદેવો હરકતમાં આવ્યા છે અને દ્વારકામા પૈસા લઇને વીઆઇપી દર્શન કરાવવાની કોઇ પ્રથા નહીં હોવાનું જણાવી રહયા છે. જો કે, વીડિયોમાં દેખાતો સંવાદ કંઇક અલગ જ હકિકત રજુ કરી રહયો છે ત્યારે આ ઘટનાની તપાસ થાય તે જરૂરી છે.દ્વારકાધિશ મંદીરમાં ખાનગી સિકયુરિટી ઉપરાંત પોલીસ અને એસઆરપી પણ સુરક્ષા માટે તૈનાત છે છતાં મંદિર પરિસરની અંદરનો જ વીઆઇપી દર્શનનો વીડિયો વાયરલ થતા ભારે ચર્ચા જાગી છે.
વાયરલ થયેલા એક વિડિયોમાં વી.આઈ.પી. દર્શન અંગે બેટ દ્વારકાના બ્રાહ્મણો અને યાત્રાળુઓ સાથે વાતચીત પણ કરતા આ બાબતે ભૂદેવોએ આ વિડિઓ અંગે ગેરસમજ ફેલાવી વિડિઓ અંગેના આક્ષેપો ભૂદેવોએ નકાર્યા છે.
મંદિર સમિતિ દ્વારા વાતચીતમાં જણાવાયું કે આ અંગે કોઈ પણ વી.આઈ.પી. દર્શન કરવામાં આવતા નથી. જયારે આ વિડિઓ અંગે ભૂદેવોએ જણાવ્યું કે આ વિડીયોનું અર્થઘટન ખોટું કરાયુ છે. સોમવારે અમાસનાં દિવસે આ કૃત્યને ભૂદેવોએ વખોડ્યું છે. અને આ અમારો દક્ષિણા માંગવાનો હક છે. જે યાત્રાળુઓ પોતાના મનથી આપતા હોવાનું જણાવાયું છે. વધુમાં ભૂદેવોએ જણાવ્યું હતું કે જેમ તમામ લોકોને ધંધા રોજગાર હોય, તે રીતે અહીં આવતા યાત્રાળુઓને અહીંના વિશે સમજાવી તેમજ અહીંના ઇતિહાસ વિશે જાણકારી આપીએ છીએ. જેના બદલામાં અમને આવતા યાત્રાળુઓ દક્ષિણા આપે છે અને એ પણ અમે કોઈ નિયમ બનાવેલ નથી કે કેટલી દક્ષિણા આપવી.
યાત્રાળુઓ પોતાના મનથી આ દક્ષિણા આપતા હોય છે. તેમ બેટ દ્વારકા મંદિર તીર્થ પુરોહિત દ્વારા જણાવાયું હતું.વિશ્વ વિખ્યાત યાત્રાધામ બેટ દ્વારકામાં સુદર્શન બ્રિજ બન્યા બાદ અહીં આવતા દર્શનાર્થીઓની સંખ્યામાં ખુબ વધારો થયો છે. આ મંદિર વૈષ્ણવ સંપ્રદાયનું મંદિર છે. અંદાજે 400 થી 500 જેટલા વર્ષ જૂનું મંદિર ગાયકવાડ સરકારે બનાવેલું આ મંદિર હાલ વૈષ્ણવ સંપ્રદાયના જૂનાગઢનાં બાવાશ્રી હસ્તક અને બેટ દેવસ્થાન સમિતિ દ્વારા સંચાલિત છે. જેમાં રાજ્યના પૂર્વ મંત્રી સૌરભ પટેલ, અને સમીર પટેલ સહિત 14 ટ્રસ્ટીઓ કાર્યભાર સંભાળે છે.