છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે.
પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે.
એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.
તા.9.02.26 સોમવારથી તા.13.02.26 શુક્રવાર દરમિયાન યોજાયેલ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ આવતી રાજકોટ શહેર- 1, 2 અને 3 વિભાગીય કચેરી હેઠળની માધાપર, બેડીનાકા, રૈયા રોડ, લક્ષ્મીનગર, મોરબી રોડ, પ્રહલાદ પ્લોટ, આજી-1, આજી-2, મોરબી રોડ, સોરથીયાવાડી, કોઠારીયા રોડ, ઉદ્યોગનગર, પ્રદ્યુમનનગર, વાવડી, મવડી રોડ, ખોખડદળ, નાના મવા પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારો જેમકે, અવધ સોસાયટી, શક્તિ સોસાયટી, સંતોષીનગર, નારાયણનગર, આવાસ યોજના, રાજીવનગર, મોચીનગર, બજરંગવાડી રોડ, શીતલ પાર્ક, વાંકાનેર સોસાયટી, મોમીન સોસાયટી, મોચીનગર 1 અને 2, સંજયનગર, અંબિકા કોમ્પલેક્ષ, નુરાનીપરા, રંગઉપવન સોસાયટી, એરપોર્ટ રોડ, સુભાષનગર, ગીરનાર સોસાયટી, રાજદીપ સોસાયટી, સત્યમપાર્ક સોસાયટી, પટેલ નગર, પ્રજાપતિ સોસાયટી, ધરમનગર સોસાયટી, શ્રીનાથજી સોસાયટી, ઉદયનગર, વિનાયક નગર, ખોડલધામ-2, મારુતિ રેસિડેન્સી, ભીલેશ્વર પાર્ક, શીતળાધાર સોસાયટી, શિવનગર સોસાયટી, સીતારામ સોસાયટી, માછ્છોનગર સોસાયટી, શુભમ સોસાયટી, હુસૈની ચોક, રાજારામ સોસાયટી, સાગર ચોક, ગુજરાત હાઉસીંગ બોર્ડ, રિદ્ધિસિદ્ધિ ક્વાર્ટર, ચુનારવાડ ચોક, બાબરીયા કોલોની, બાબરીયા આવાસ, મોરારી નગર, સર્વોદય સોસાયટી, 80 ફૂટ મેઈન રોડ, દેવનગર નો ઢોળો, રંગીલા વિસ્તાર, મામાવાડી વિસ્તાર, નવાગામ મેઈન રોડ, આર્યનગર સોસાયટી, સીતારામ સોસાયટી, રત્નદીપ સોસાયટી, સંતકબીર સોસાયટી વગેરેમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 185 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક વગેરે મળીને કુલ 4273 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 390 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂૂ. 109.15 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા.
નોંધનીય છે કે એપ્રિલ-25 થી તા. 13.02.26 ના સમયગાળા દરમિયાન રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ કુલ 51785 વીજ જોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ 4372 વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂૂ. 1595.16 લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે. આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
