જામનગરની મેડિકલ કોલેજની તબીબી વિદ્યાર્થીનીએ પોતાના વિભાગના ડોક્ટર સામે સતામણીનો આરોપ મૂકતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ અંગે જાતિય સતામણી કમિટીને તપાસ સોંપવામાં આવી છે.જામગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને જી.જી. હોસ્પિટલના એક વિભાગમાં અભ્યાસ કરતી તબીબી વિદ્યાર્થીની ડોક્ટર યુવતીએ પોતાના વિભાગના ઉપરી તબીબ ડો. દિપક રાવલ દ્વારા સતામણી કરતા હોવાની ફરિયાદ કરી છે. આ ફરિયાદથી મેડિકલ ક્ષેત્રમાં ચકચાર જાગી છે.
આ તબીબી યુવતીએ આક્ષેપ કર્યો છે, કે ડો. દિપક રાવલ તેણીને તેના જ ફોટા પાડીને મોકલે છે, અને લખે છે કે તું ખૂબ સુંદર છે, પરંતુ જે તે સમયે પોતાને નાપાસ કરવામાં આવશે, તેવા ડરથી ફરિયાદ કરવામાં આવી ન હતી.
તેણીએ કરેલી ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે ઓપરેશન થિયેટરમાં હોઈએ ત્યારે એમ કહેતા હતાં કે તું મારી સામે જોતી નથી, પરંતુ નાપાસ કરવામાં આવશે, તેવો ડર ત્યારે પણ હતો, પરંતુ હવે પરીક્ષામાં પાસ થઈ જવાથી આખરે હિંમત એકત્ર કરીને ફરિયાદ કરી છે. જો આ બાબતે યોગ્ય તપાસ થશે તો ડો. દિપક રાવલ સામે અનેક ફરિયાદો થઈ શકે તેમ છે.
બીજી તરફ આ પ્રકરણમાં એવો પણ આક્ષેપ થયો છે કે, આ અંગે મેડિકલ કોલેજના જવાબદારો સમક્ષ મૌખિક ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ જે તે વખતે મેડિકલ કોલેજના ડીન દ્વારા કોઈ પગલાં લેવાયા ન હતાં.
જો કે, ડીનના કહેવા મુજબ માત્ર સાંભળેલી વાતો ઉપરથી કોઈ સામે જાતિય સતામણીના આરોપ કરી શકાય નહીં. આ માટે લેખિત રજૂઆતની જરૃર રહે છે. સમગ્ર પ્રકરણ આખરે પ્રકાશ માં આવ્યુ હતું જેથી મેડિકલ કોલેજ નું તંત્ર તુરત જ હરકતમાં આવી ગયું હતું. આ અંગે મેડિકલ કોલેજ ના ડીન ડો.નંદીની દેસાઈ ના જણાવ્યા અનુસાર કોલેજ માં મહિલા જાતીય સતામણી અંગે ની તપાસ માટે ની કમિટી પહેલે થી જ કાર્યરત છે.
આ પ્રકરણ ની તપાસ પણ કમિટી ની સોંપવામાં આવી છે.જેનો અહેવાલ આગામી ત્રણેક દિવસ માજ સુપ્રત કરવા કમિટીને આદેશ કરાયો છે. જે મળી જશે.ત્યાર પછી આક્ષેપો માં તથ્ય જણાશે તો નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમ પણ ડીન દ્વારા જાહેર કરાયું છે.