ચાંદીના વેપારીને લૂંટી લેનાર ખંડણીખોર ગેંગ સામે તપાસ શરૂ, બે પોલીસકર્મી સહિત સાત શખ્સોની સંડોવણી

પરપ્રાંતીય વેપારીઓને નિશાન બનાવી ખંડણી પડાવ્યાના પાંચેક કિસ્સા સામે આવ્યા, ટોળકીએ અન્ય કારનામા કર્યા હોવાની ચર્ચા ભાંડો ફૂટતા વેપારીઓને પૈસા પરત આપી સમાધાનના પ્રયાસ, પોલીસ…

પરપ્રાંતીય વેપારીઓને નિશાન બનાવી ખંડણી પડાવ્યાના પાંચેક કિસ્સા સામે આવ્યા, ટોળકીએ અન્ય કારનામા કર્યા હોવાની ચર્ચા

ભાંડો ફૂટતા વેપારીઓને પૈસા પરત આપી સમાધાનના પ્રયાસ, પોલીસ સ્ટેશનમાં જ હિસ્ટ્રીશીટર ગેંગના બેસણાથી ઉઠતા સવાલ

નિર્લિપ્ત રાય જેવા તટસ્થ અધિકારીને તપાસ સોંપાય તો ટંકારા જુગાર ક્લબના તોડકાંડ કરતા પણ ખંડણીનું મોટું રેકેટ બહાર આવવાની શકયતા

રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં ચાંદી અને ઇમિટેશનના વેપારીઓને નિશાન બનાવી ખંડણી ઉઘરાવતી ટોળકી સામે અંતે પોલીસે તપાસ હાથ ધરતા ટૂંક સમયમાં જ મોટા ધડાકા થવાના નિર્દેશો મળી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં બે પોલીસમેન, એક હુમલા-દારૂ સહિત સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલો હિસ્ટ્રીશિટર, ભગવતીપરાનો એક નામચીન શખ્સ સહિત સાતેક શખ્સોની ટોળકી મહારાષ્ટ્રીયન વેપારીઓને નિશાન બનાવી ખંડણી પડાવતી હોવાનુ સામે આવ્યુ છે.
ચાંદીના બે વેપારીઓ પાસેથી આ ટોળકીએ ગત ગુરુવારે 12 લાખની ખંડણી પડાવી હોવાનો ‘ગુજરાત મિરર’ અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ ગઇકાલે સબંધિત પોલીસ સટેશનમાં પણ આ ટોળકી દેખાઇ હતી અને પોલીસની મદદથી જ વેપારીઓને પડાવેલા નાણા પરત આપી સમાધાનના પ્રયાસો કર્યા હોવાનુ પણ બહાર આવ્યુ છે.


એવુ પણ કહેવાય છે કે, આ ખંડણીખોર ટોળકી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જ અડિંગો જમાવીને બેસી રહે છે. અને સ્થાનિક બે-ત્રણ પોલીસ કર્મચારીઓની મદદથી ચાંદીના વેપારીઓને બે નંબરી ધંધા કરતા હોવાના નામે ધાક-ધમકીઓ આપી લાંબા સમયથી નાણા પડાવી રહી છે. અત્યાર સુધીમાં સાતેક પરપ્રાંતિય વેપારીઓને નિશાન બનાવી લાખો રૂપિયા પડાવ્યા છે.
સૌથી આશ્ર્ચર્યની વાત તો એ છે કે, આ ખંડણીખોર ગેંગના કાળા કરતુતો અંગે ભાજપના સ્થાનિક આગેવાનો પણ વાકેફ હોવા છતા અત્યાર સુધી તેઓ મૌન ધારણ કરીને બેસી રહ્યા છે. સ્થાનિક આગેવાનોનુ કહેવુ છે કે, વેપારીઓ ફરિયાદ કરવા તૈયાર થાય નહીં તો અમે શું કરી એ? જો કે, હવે કેટલાક આગેવાનોને હિંમત દાખવી વાત ધારાસભ્ય ઉદય કાનગડ સુધી જરૂર પહોંચાડી છે.
સ્થાનિક વેપારીઓનુ કહેવુ છે કે, મરાઠી વેપારીઓ ચાંદીનો મોટો વેપાર રાજકોટમાં કરે છે. અને આ વેપારીઓ થોડે-ઘણે અંશે બિલ વગરનો પણ ધંધો કરતા હોવાથી બે પોલીસમેન સહિતની ટોળકી તેમને નિશાન બનાવી રહી છે.


વેપારીઓના કહેવા મુજબ સ્થાનિક હિસ્ટ્રીશિટરની ટોળકી મરાઠી વેપારીઓના ધંધા સ્થળ આસપાસ સતત વોચ રાખે છે. અને જયાર વેપારીઓ ચાંદીનો જથ્થો લઇ સાંજે ઘરે પહોંચે તેની સાથે જ પોલીસમેન સહિતની ટોળકી ત્રાટકે છે અને ચાંદીના બિલ માંગી જથ્થો બે નંબરનો હોવાનુ જણાવી કેસ કરવાના અને મીડિયામાં બદનામ કરી દેવાની ધાક-ધમકી આપી સેટલમેન્ટના નામે મોટી રકમના તોડ કરે છે. આવા અનેક વેપારીઓને ટોળકીએ નિશાન બનાવ્યા છે પરંતુ પાંચેક કિસ્સા જાહેર થઇ ગયા છે. આ ખંડણીમાંથી સબંધિત પોલીસ સ્ટેશનમાં જવાબદાર અધિકારીઓને ભાગ મળે છે કે, તે સંપૂર્ણ અંધારામાં છે તે પણ તપાસનો વિષય છે.


વેપારીઓનું કહેવુ છે કે, અગાઉ ત્રણ-ચાર વખત આ ટોળકી નાણા પડાવવમાં સફળ થતા હવે તેની હિંમત વધી ગઇ છે. ખાસ કરીને આ ટોળકી સ્થાનિક ધંધાર્થીઓને નિશાન બનાવતી નથી અને પરપ્રાંતિય વેપારીઓને જ ટ્રેપમાં ફસાવે છે. પરપ્રાંતિય વેપારીઓ પણ ડરના માર્યા ફરિયાદ કરવાની હિંમત કરતા નથી.


હવે આ મામલે બુલિયન એસોસિએશન પણ સક્રિય થયુ છે અને ખંડણી ઉઘરાવતા પોલીસસ કર્મચારીઓ તથા હિસ્ટ્રીશિટર ટોળકીના નામ જાહેર કરવા પણ તૈયારી બતાવી છે. પોલીસ વેપારીઓને ‘નિર્ભય’ આશ્ર્વાસન આપે તો ખંડણીની ઓછામાં ઓછી પાંચ ફરિયાદો નોંધાય તેવી શકયતા છે.


અગાઉ વેપારીઓએ ઉપરી પોલીસ અધિકારીઓને આ ટોળકીના ત્રાસ અંગે રજૂઆતો પણ કરી હોવાનુ કેહવાય છે. પરંતુ ગમે તે કારણસર વાત દબાવી દેવામાં આવ્યાની ચર્ચા છે.
રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર ખોખારો ખાઇને ગુનેગારોની ખો ભૂલાવી દેવાની વાત કરે છે. ત્યારે રાજકોટમાં પોલીસ સાથે ગેંગ બનાવીને ખંડણી ઉઘરાવતી ટોળકીને ઉગતી જ ડામીદેવા કડક પગલા ભરવામાં આવે તે જરૂરી છે.


ટંકારામાં જુગારધામમાં તોડ કરનાર પોલીસ સામે દાખલારૂપ પગલા ભરાયા છે અને ખૂદ પોલીસ જ ફરિયાદી બની છે. ત્યારે રાજકોટમાં શાંતિથી વેપાર-ધંધો કરતા વેપારીઓ પાસેથી સંગઠિત ગેંગ ખંડણી પડાવે તે બાબત પણ અતિ ગંભીર છે. આ પ્રકરણમાં જો નિર્લિપ્ત રાય જેવા તટસ્થ પોલીસ અધિકારીને તપાસ સોંપવામા આવે તો ખંડણી ઉઘરાવવાનું મોટુ રેકેટ બહાર આવવાની શકયતા છે અને તેમાં પણ અમૂક પોલીસ કર્મચારીઓની સીધી સંડોવણી ખૂલે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *