યૌન અપરાધોમાં અસંવેદનશીલ અને અપ્રસ્તુત ટિપ્પણીઓ ટાળવી જોઇએ

સુપ્રીમ કોર્ટે સેક્સ્યુઅલ ક્રાઈમ (જાતીય ગુના)ના કેસોમાં કરાતી અસંવેદનશીલ ટીપ્પણીઓ કે વલણને રોકવા માટે એક રાષ્ટ્રીય માર્ગદર્શિકાનો અમલ કરવા આદેશ આપ્યો છે. સેક્સ્યુઅલ ક્રાઈમ સાથે…

સુપ્રીમ કોર્ટે સેક્સ્યુઅલ ક્રાઈમ (જાતીય ગુના)ના કેસોમાં કરાતી અસંવેદનશીલ ટીપ્પણીઓ કે વલણને રોકવા માટે એક રાષ્ટ્રીય માર્ગદર્શિકાનો અમલ કરવા આદેશ આપ્યો છે. સેક્સ્યુઅલ ક્રાઈમ સાથે સંકળાયેલા કેસોમાં બળાત્કાર માટે છોકરીઓ જ જવાબદાર હોય એ પ્રકારની હલકી માનસિકતાથી ભરેલી ન્યાયાધિશોની ટીપ્પણીઓ સામે સુપ્રીમ કોર્ટ પોતે જ ખફા હતી. તેના પગલે ન્યાયિક સંવેદનશીલતા જાળવવા રાષ્ટ્રીય ન્યાયિક એકેડેમીએ નિષ્ણાત સમિતિની રચના કરી હતી.

આ સમિતીએ તેનો અહેવાલ મંગળવારે એટલે કે 14 જુલાઈ, 2026ના રોજ ચીફ જસ્ટિસને આપ્યો. ચીફ જસ્ટિસે ધરમના કામમાં ઢીલ નહીં એમ સમજીને તમામ અદાલતોને તેનો અમલ કરવાનું ફરમાન કરી દીધું. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી બેન્ચે આદેશ આપ્યો છે કે, સુપ્રીમ કોર્ટ, દેશભરની તમામ હાઈ કોર્ટ અને જિલ્લા અદાલતોની વેબસાઇટ પર આ માર્ગદર્શિકાની હેન્ડબુક અપલોડ કરવામાં આવે.

આ ઉપરાંત નેશનલ જ્યુડિશિયલ એકેડેમી સહિત તમામ રાજ્ય ન્યાયિક એકેડેમીઓને પણ મોકલવામાં આવે કે જેથી વકીલો તેનું પાલન કરે, નેશનલ લો યુનિવર્સિટી અને વિવિધ યુનિવર્સિટીઓના કાયદા વિભાગોને પણ મોકલવામાં આવે કે જેથી ભાવિ વકીલો અને ન્યાયાધિશોને તેની જાણ થાય. સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી માર્ગદર્શિકાઓને ન્યાયિક આદેશનો ભાગ બનાવવાનો આદેશ પણ અપાયો છે. આ પાછળનો દાખલો તાજો છે. પટના હાઈ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પૂર્ણેન્દુ સિંહે 8 જુલાઈએ બળાત્કારના પ્રયાસના કેસમાં એક આરોપીને નિર્દોષ છોડી મૂક્યો. જસ્ટિસ સિંહે ચુકાદામાં જ્ઞાન પિરસ્યું કે, કોઈ વ્યક્તિ મહિલાની સલવાર ખોલે અને તેનાં સ્તન દબાવે તો બળાત્કારનો પ્રયાસ કરવાનો ગુનો નથી બનતો પણ મહિલાની મર્યાદા ભંગ કરવાનો ગુનો બને છે.

જસ્ટિસ સિંહે આ જ્ઞાન પિરસીને આરોપીને બળાત્કારના પ્રયાસના આરોપમાંથી મુક્ત કરી દીધો ને મહિલાની મર્યાદા ભંગ કરવાનો ગુનો નોંધીને કેસ ચલાવવા આદેશ આપ્યો. આ મામલે ભારે હોહા થઈ પછી સુપ્રીમ કોર્ટે સુઓમોટો કરીને -સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના નિર્ણય પર સ્ટે આપેલો. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ એ.જી. મસીહની બેન્ચે હાઈકોર્ટના આદેશમાં કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓને સંપૂર્ણપણે અસંવેદનશીલ અને અમાનવીય ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે એ? પછી ચુકાદો આપેલો કે, મહિલાની છેડતી કરવી અને તેના પાયજામાનું નાડું ખોલવું બળાત્કારનો પ્રયાસ જ ગણાય તેથી આકરી કલમો હેઠળ જ કેસ થવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *