ગુજરાત
મહાપાલિકા દ્વારા શહેર બ્યુટીફિકેશનનો પ્રારંભ
રોડની સાફસફાઈ, ડિવાઇડર કલર, વોલ પેન્ટિંગ સહિતના કામો હાથ ધરાયા
રાજકોટ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગર પાલિકાએ અનેકવિધ કામો હવે હાથ ઉપર લીધા છે. શહેર બ્યુટીફીકેશન અંતર્ગત જુદા જુદા વિસ્તારોમાં રોડની સાફસફાઈ, ફૂટપાથ રિપેરીંગ, ડિવાયડર રિપેરીંગ, વોલ પેન્ટીંગ, થર્મો પ્લાસ્ટ, જીબ્રા ક્રોસીંગ અને બીઆરટીએસ રૂટની રેલીંગને પ્રાઈમર કરવા સહિતના ત્રણેય ઝોનના કામો એક સાથે શરૂ કરવાની સાથો સાથ ઝાડને પાણી આપવા અને સ્ટ્રીટલાઈટના પોલ મરામત કરવા સહિતની કામગીરી એક સાથે શરૂ કરવામાં આવી છે.
ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી સીટી બ્યુટીફીકેશન ઝુંબેશ અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં વિવિધ શાખા દ્વારા જુદાજુદા વિસ્તાર અને રોડ પર કામગીરી ચાલી રહી છે. જેમાં ત્રણેય ઝોનમાં વોર્ડ વાઈઝ ટીમો બનાવી રોડની સઘન સાફ-સફાઈ, ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા/ઝીબ્રા ક્રોસીંગ તથા રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખા દ્વારા લગત કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના ઝોન વાઈઝ મેઈન રોડ પર બાંધકામ શાખા દ્વારા ફૂટપાથ રીપેરીંગ, ડીવાઈર રીપેરીંગ, વોલ પેઇન્ટિંગ, થર્મોપ્લાસ્ટ પટ્ટા/ઝીબ્રા ક્રોસીંગ જેવી કામગીરી કરવામાં આવે છે. શહેરમાં આવેલ અન્ડરબ્રિજ/ઓવરબ્રિજની વોલ પર વિવિધ થીમ બેઇઝ પેઇન્ટિંગ કરવામાં આવે છે. બી.આર.ટી.એસ. રૂૂટ પર રેલીંગને પ્રાઈમર કલર કામ કરવામાં આવેલ છે.
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણેય ઝોનમાં સીટી બ્યુટીફીકેશન અન્વયે મેઈન રોડની સાફ-સફાઈની કામગીરી કરવામાં આવેલ છે. ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા ડીવાઈડરને કલરકામ અને થર્મોપ્લાસ્ટ વડે રસ્તા પર સાઈડમાં સફેદ પટ્ટા તેમજ ઝીબ્રા ક્રોસીંગના સફેદ પટ્ટાની કામગીરી કરવામાં આવે છે. ગાર્ડન શાખા દ્વારા સીટી બ્યુટીફીકેશન અન્વયે ડીવાઈડરના છોડનું કટિંગ કામ, રોડ ડીવાઈડર સફાઈ કામ, પાણી આપવાનું કામ, ઝાડની નડતરરૂૂપ ડાળીઓના કટિંગ કામ વગેરે કરવામાં આવે છે. રોશની શાખા દ્વારા શહેરના મેઈન રોડ અને ગાર્ડનમાં રહેલ સ્ટ્રીટ લાઈટના પોલને કલરકામ કરવાની કામગીરી કરવામાં આવે છે.
ગુજરાત
સડેલા અનાજનો રેલો, ગાંધીનગરથી ટુકડીઓ ત્રાટકી
સાંસદે રજૂ કરેલું અનાજ કયાંથી આવ્યું?, રેશનિંગના વેપારીઓને ત્યાં ચેકિંગ, નમૂના લેવાનું શરૂ
રાજકોટ કલેકટર કચેરીમાં ગત શનિવારે રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ સડેલા અનાજના નમુના રજુ કરતા જ પૂરવઠાતંત્ર ઉંઘમાંથી સફાળુ જાગ્યુ છે અને આજે ગાંધીનગરથી પૂરવઠા ખાતાની ટીમ રાજકોટ દોડી આવી છે અને સડેલુ અનાજ કયાંથી આવ્યુ તેની તપાસ આદરી છે. ગાંધીનગરથી દોડી આવેલ પૂરવઠા વિભાગની ટીમે જિલ્લા પૂરવઠા અધિકારી સાથે બેઠક યોજી હતી અને ત્યારબાદ શહેરની સસ્તા અનાજની દૂકાનોમાં ચેકિંગ શરૂ કર્યુ છે. જો કે, આ સડેલુ અનાજ ગોડાઉનમાંથી જ આવ્યુ હોવાનું માનવામાં આવે છે.
મળતી વિગતો અનુસાર આજે સવારે ગાંધીનગરથી પુરવઠા વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નિર્મલ પટેલ સહીતની અધિકારીની ટીમો રાજકોટમાં ધામા નાખ્યા હતા. રાજકોટ પુરવઠા અધિકારી સાથે બેઠક કર્યા બાદ રાજકોટ શહેરની 185 જેટલી દુકાનોની લિસ્ટ લઇ સ્થાનિક અધિકારીઓને સાથે રાખી શહેરની અલગ-અલગ સસ્તા અનાજની દુકાનોમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શંકાસ્પદ દુકાનોમાંથી અનાજના નમુના પણ લેવામાં આવ્યા હતા.
રાજકોટ પુરવઠા અધિકારી રાજેશ્રી વાગવાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જથ્થો આવ્યા બાદ બાદ પહેલા ગાંધીનગર ખાતે લેબોટરીમાં ટેસ્ટ કરવામાં આવે છે. અને ત્યારબાદ જ ગોડાઉનમાં જથ્થો સ્ટોર કરવામાં આવે છે. ગોડાઉનમાં આવ્યા બાદ પણ સ્થાનિક તંત્ર દ્વારા જથ્થાની તપાસ હાથ ધરવામાં આવે છે. અને ત્યારબાદ જ દુકાનદારોને જથ્થાનું વિતરણ કરવામાં આવે છે. જથ્થો શંકાસ્પદ દેખાય તો ગાંધીનગરથી રિજકેટ કરવામાં આવે છે. પરંતુ નબળી ગુણવત્તાનો જથ્થો ક્યાંથી આવ્યો છે? તે તપાસમાં વિષય છે. અમારી ટીમ પણ તપાસ કરી રહી છે. આજે ગાંધીનગરથી ટીમ પણ આવી છે તે પણ અલગ અલગ દુકાનોની તપાસ કરશો અને નમૂના લેશે. સ્થાનિક અધિકારીઓનો રિપોર્ટ આવ્યા બાદ કલેક્ટરને સોંપવામાં આવશે.
રાજકોટ પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા એક મહિનામાં દુકાનદારોની મનમાની, રેશનકાર્ડ ધારકોની ફરિયાદો, નબળી ગુણવત્તાનો અનાજ સહિતની ફરિયાદોને ધ્યાનમાં લઇ રાજકોટ શહેર અને જિલ્લા ના 40થી વધુ દુકાનદારોને નોટિસ પણ આપવામાં આવી છે. અને તેઓને બોલાવવામાં પણ આવ્યા છે. પુરવઠા વિભાગ દ્વારા સતત દુકાનોની તપાસો પણ હાથ ધરવામાં આવતી હોય છે.
સાંસદે રજૂ કરેલી દાળમાં કાળું?
તો બીજી બાજુ રાજ્યસભાના સાંસદ રામ મોકારિયા દ્વારા જે તુવેર દાળ આપવામાં આવી છે. તે દાળ તેલ વગરની દાળ હોવાનું સામે આવ્યું છે. પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા કેટલાય સમયથી રાશનકાર્ડ ધારકોને તેલવાળી તુવેર દાળ આપવામાં આવે છે. ત્યારે તે પણ તપાસ વિષય બન્યો છે કે તેલ વગરની દાળ ક્યાંથી આવી છે અને કોણે આપી છે તે પણ એક તપાસનો વિષય બન્યો છે.
ગુજરાત
એક અગ્નિદાહમાં 7 કલાક, ત્રણ સ્મશાનનું કામ અટકાવતા સ્ટે. ચેરમેન
સીએનજી આધારિત ભઠ્ઠીના કામમાં કાચું કપાયું, સ્ટીલના બદલે લોખંડની પેટી બનાવી હોવાનો તજજ્ઞોનો અભિપ્રાય
દોઢ કલાકમાં અગ્નિદાહની વિધિ સંપન્ન થાય તેના બદલે સાત કલાકના સમય મુજબનું ઈન્ફાસ્ટ્રક્ચર ધાબડી દેવાયું
મહાનગરપાલિકાના અનુભવી અને બુદ્ધીશાળી અધિકારીઓ અન્ય શહેરોમાં ચાલતા પ્રોજેક્ટો જોઈને અથવા મનપાને નુક્શાની ઓછી થતી હોય તેવા પ્રોજેક્ટો વગર વિચારીએ તૈયાર કરી કામ શરૂ કરાવી દેતા હોય છે. જેના લીધે લોકોને મુસ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એવું હાલમાં ચાલતા ત્રણ સ્મશાનની ભઠ્ઠીના કામમાં બનવા પામ્યું છે.
સીએનજી આધારિત અગ્નિદાહ માટેની ભઠ્ઠી તૈયાર કરવાનું કામ ત્રણ સ્મશાન ખાતે ચાલી રહ્યું છે. પરંતુ આ ભઠ્ઠીમાં એક અગ્નિદાનમાં સાત કલાકનો સમય લાગતો હોય મોટી સમસ્યા ઉભી થયાની જાણ થતાં સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે હાલ ત્રણેય સ્મશાનોનું ભઠ્ઠીનું કામ બંધ કરાવી પેમેન્ટ અટકાવી એજન્સીઓને આજે કોર્પોરેશન ખાતે બોલાવવામાં આવ્યા છે અને નિયમ મુજબ દોઢકલાકમાં અગ્નિદાહ ક્રિયા સંપન્ન થઈ જાય તે મુજબની ભઠ્ઠી બનાવવાની સૂચના અપાશે તેમ સ્ટેન્ડીંગ ચેરમેને જણાવ્યું હતું.
સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, હાલ મોટા મૌવા, રામનાથપરા અને કોઠારિયા ખાતેના ત્રણ સ્મશાનોમાં સીએનજી આધારિત ભઠ્ઠીઓનું કામ ચાલુ કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા સીએનજી ગેસ ફ્રીમાં આપવામાં આવશે. જેના લીધે અગ્નિદાન સમયે થતી વિજળીની ખપતમાં ભારેબચત આથી શહેરના તમામ સ્મશાનો સીએનજી આધારિત કરવાનો નિર્ણય લઈ પ્રથમ ત્રણ સ્મશાનોની ભઠ્ઠી માટે બે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. હાલ મોટામૌવા સ્મશાન ખાતે ભઠ્ઠીનું કામ પૂર્ણતાના આરે છે. પરંતુ તજજ્ઞોના જણાવ્યા મુજબ લોખંડના સ્ટ્રક્ચરની બનાવેલ આ ભઠ્ઠીમાં એક અગ્નિદાન માટે સાત કલાક જેટલો ભારે સમય લાગશે જેના લીધે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. નિયમ મુજબ એક અગ્નિદાનમાં દોઢથી બે કલાકનો સમય લાગતો હોય છે.
જેની સામે ચારગણો સમય લાગવાનું કારણ શું જેની તપાસ કરતા માલુમ પડેલ કે, એજન્સી દ્વારા સુચવવામાં આવેલ લોખંડનું બોક્સ તેમજ લોખંડના ખાટલાને સીએનજી આધારીત ગરમ થતાં જ દોઢથી બે કલાકનો સમય લાગી રહ્યો છે. જેના લીધે અગ્નિદાનનો સમય સાત કલાક થઈ જાય છે. જેની સામે સ્ટીલનું ઈન્ફાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવે તો રાબેતા મુજબ દોઢથી બે કલાકમાં અગ્નિદાનની ક્રિયા પૂર્ણ થઈ જાય તેમ છે. આથી સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે બન્ને એજન્સીઓને આજે કોર્પોરેશન ખાતે બોલાવેલ છે.
સ્ટેન્ડીંગ ચેરમેને વધુમાં જણાવેલ કે, હાલમાં ફીટ થઈ રહેલ લોખંડના ઈન્ફાસ્ટ્રક્ચરના સ્થાને સ્ટીલનું ઈન્ફાસ્ટ્રકચર કરવામાં આવે તો એજન્સીને સસ્તામાં પરવડે તેમ છે. તેના માટે વધારાનો કોઈ ખર્ચ કરવો પડે તેમ નથી. આથી બન્ને એજન્સીઓને સમજાવીને હવે ત્રણેય સ્મશાન ખાતે લોખંડના બદલે સ્ટીલનું ઈન્ફાસ્ટ્રક્ચર તૈયાર કરવાની સૂચના આપવામાં આવશે. આ સીએનજી આધારીત સ્મશાનના ભઠ્ઠીના કામ માટે ટેન્ડર મંજુર કરવામાં આવેલ જેમાં અધિકારીઓના બિન અનુભવના કારણે કાચુ કપાયાની ચર્ચા પણ જાગેલ છતાં સ્ટેન્ડીંગ ચેરમેન દ્વારા આજે લોકોના હિત માટે એજન્સીઓનું કામ અટકાવી તેમજ તેમના બીલ અટકાવી નવેસરથી કામ કરવાનો નિર્ણય લીધો છે.
દેખાદેખીમાં વગર અનુભવે કરોડોનું આંધણ
મહાનગરપાલિકાના અધિકારીઓ અન્ય શહેરો તેમજ વિદેશોમાં જઈને નવી નવી ટેક્નિકો શીખી આવે છે. જેની અમલવારી રાજકોટના પ્રોજેક્ટમાં કરવામાં આવી રહી છે. અમુક પ્રોજેક્ટમાં પ્રજા અને તંત્રને ફાયદો થાય છે પરંતુ બિન અનુભવના કારણે અમુક પ્રોજેક્ટોનું બાળમરણ પણ થઈ રહ્યુ ંછે. આ પ્રકારના અનેક પ્રોજેક્ટો કે જે અન્ય જગ્યાએથી જોઈને તૈયાર કરવામાં આવ્યા હોય તેનું કામ તે વિષયના તજજ્ઞો અને કોન્ટ્રાક્ટરોને આપવામાં ન આવતા લોકોના કરોડો રૂપિયાનું આંધણ પણ ભવિષ્યમાં થયું છે. તેવી ચર્ચા આજના સ્મશાનના કામ ઉપરથી લોકોમાં ચર્ચાઈ રહી છે.
ગુજરાત
પદ્મકુંવરબા હોસ્પિટલમાં બારોબાર પ્રસૂતિ, બેદરકાર બે ડોક્ટર સસ્પેન્ડ
ત્રણ નર્સોની પણ બદલી, નિર્દોષ આયા બહેનને નોકરીમાંથી રજા આપી દેવાઈ: હોસ્પિટલના બાંકડે પ્રસૂતિ થયાની ઘટના સંદર્ભે ઉચ્ચ આરોગ્ય તંત્રની કાર્યવાહી
શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલ પદ્મકુવરબા હોસ્પિટલમાં આજથી પોણા બે મહિના પહેલા એક પરપ્રાંતીય પ્રસુતાને હોસ્પિટલ બહાર જ બાંકડા પર પ્રસુતિ થઈ ગયાની ગંભીર ઘટનાના ઘેરા પડઘા પડ્યા છે. આરોગ્યતંત્ર એ આ ઘટના દરમિયાન કસુરવાર બે રેસિડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. ત્રણ નર્સની અન્ય સ્થળે બદલી કરી નાખી છે. જ્યારે પ્રસુતા સાથે જેમની નોકરી હતી તેવા આયાબેનને ડિસમિસ કરીને ઘરે બેસાડી દેવાયા છે.
આ બાબતે મળતી વિગતો મુજબ શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલી પદ્મકુવરબા હોસ્પિટલમાં આજથી દોઢ પોણા બે મહિના પહેલા એટલે કે 1લી ઓક્ટોબર ના રોજ એક પરપ્રાંતીય મહિલાને પ્રસુતિની વેદના થતા અહીં લાવવામાં આવી હતી.
પરંતુ રાબેતા મુજબ તબીબોએ આ મહિલાની તકલીફને સમજવામાં ગંભીર બેદરકારી દાખવી હતી. પરિણામે પ્રસુતાને મજબૂરીવશ હોસ્પિટલ બહારના બાંકડે સુવડાવીને સેવા ભાવિઓ દ્વારા પ્રસુતિ કરાવવામાં આવી હતી.
આ વાતના વિડીયો જે તે સમયે સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ બનાવના છેક ગાંધીનગર સુધી આરોગ્યતંત્રમાં ઘેરા પડઘા પડ્યા હતા.
ઉચ્ચ આરોગ્ય તંત્રએ આ બાબતે તાત્કાલિક તપાસ સમિતિ રચી હતી અને તેમાં રાજકોટ ઝોનના વિભાગીય આરોગ્ય નાયબ નિયામક ડો. ચેતન મહેતા તેમજ જનાના હોસ્પિટલના ગાયનેક વિભાગના ડો. કમલ ગોસ્વામી સહિતના સભ્યોની નિમણૂક કરી હતી. આ તપાસ સમિતિએ ધગધગતો રિપોર્ટ ગાંધીનગર ખાતે આરોગ્યતંત્ર સમક્ષ પહોંચાડતા બે ડોક્ટરોનો ભોગ લેવાયો છે. જેમાં રેસીડન્ટ ડોક્ટર મૌલિક બુધરા અને ડોક્ટર શિવાંગીની ગરાસિયાને એક ટર્મ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હેડનર્સ કંચનબેન ખીમસુરીયાને તાકીદની અસરથી જામનગર ખાતે બદલી કરાયા છે. તેમજ અન્ય બે સ્ટાફ નર્સની કરાયેલી બદલીમાં પારુલબેન વાઘને દ્વારકા તેમજ નિધીબેન ચૌહાણને જામનગર બદલી કરી નાખવામાં આવી છે.
આ ઉપરાંત પદ્મકુવરબા હોસ્પિટલના આરએમઓ નુતનબેન સામે પણ ખાતાકીય તપાસનો દોર શરૂૂ કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે.
હોસ્પિટલના તબીબી અધિક્ષક ઝાલાએ બેદરકારી દબાવવા પ્રયાસ
જાણકાર વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ પદ્માકુવરબા હોસ્પિટલમાં જ્યારે પ્રસુતાને રોડ ઉપર જ પ્રસુતિ થઈ ગયાના અહેવાલો વહેતા થયા બાદ આ બનાવને સંપૂર્ણ રીતે ભોમાં ભંડારી દેવા પદ્મકુવરબા હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. એન એન ઝાલા દ્વારા ગજબના પ્રયાસો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો પણ તપાસ માગી લે તેવા છે. પરંતુ પાપ અંતે છાપરે ચડીને પોકાર્યું હોય તેમ ઉચ્ચ આરોગ્ય તંત્રએ બે ડોકટરો સામે સસ્પેન્શનના પગલાં બેસાડી ધાક બેસાડતી કરેલી કામગીરીની સાર્વત્રિક સરાહના થઈ રહી છે.
શું કહ્યું RDDના ડો.ચેતન મહેતાએ ?
પદ્મા કુંવરબા હોસ્પિટલમાં બહાર આવેલી લાગતા વળગતા તબીબો અને સ્ટાફની ગંભીર બેદરકારી બાબતે ખરેખર કેટલા તબીબોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ? તેવા પ્રશ્નોના જવાબમાં રાજકોટ ઝોનના વિભાગીય આરોગ્ય નાયબ નિયામક ડો. ચેતન મહેતાએ ગુજરાત મિરર સાથે વાત કરતા જણાવ્યું હતું કે હાલ આ પ્રકરણમાં બે રેસિડેન્ટ ડો. મૌલિક બુધરા અને ડો. શિવાંગીની ગરાસીયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્રીજા ડોક્ટરને સસ્પેન્ડ કરાયા હોવાની વાત બાબતે અજાણતા વ્યક્ત કરતા ડોક્ટર ચેતન મહેતાએ જણાવ્યું હતું કે તે પોતાના સર્વિસના ક્રાઇટ એરિયા બહારની વાત હોવાથી ગાંધીનગર આરોગ્ય તંત્રમાંથી જે કાગળો આવશે તે પ્રમાણે કાર્યવાહી થશે. ટુંકમાં ત્રીજા તબીબને સસ્પેન્ડ કરાયા કે કરાશે ? તે બાબતે તેઓએ અજાણતા વ્યક્ત કરી હતી.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
શેરબજારના પતનથી નિરાશ ન થાઓ! જાણો આ બે ફંડ વિશે કે જે નુકસાનની ભરપાઈ કરી શકે
-
રાષ્ટ્રીય2 days ago
‘અનુપમા’ના સેટ પર મોટી દુર્ઘટના, આસિસ્ટન્ટ લાઇટ મેનનું ઈલેક્ટ્રીક શોક લાગવાથી થયું મોત
-
રાષ્ટ્રીય2 days ago
મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતદાન પહેલાં જ ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, ભાજપ અને કોંગ્રેસના અધ્યક્ષને ફટકારી નોટિસ
-
રાષ્ટ્રીય7 hours ago
રાજસ્થાનમાં લગ્ન પ્રસંગમાં મોતનું દ્રશ્ય,ગુસ્સે ભરાયેલા યુવકે કાર ચલાવી 10 સગાઓને કચડી નાખ્યા,7 ગંભીર
-
આંતરરાષ્ટ્રીય4 hours ago
શેરબજારની તબાહી , 50 દિવસમાં 50 લાખ કરોડ રૂપિયાનું નુકસાન, શું આગામી 50 દિવસમાં ભરપાઈ થશે?
-
ક્રાઇમ7 hours ago
વડોદરામાં પોલીસની હાજરીમાં જ પૂર્વ કોર્પોરેટરના પુત્રની હોસ્પિટલમાં હત્યા, અથડામણ બાદ મદદ માટે આવ્યા હતા
-
આંતરરાષ્ટ્રીય3 hours ago
ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરક્ત: પાક. મરીને ઓખાની બોટ પર કર્યું ફાયરિંગ
-
આંતરરાષ્ટ્રીય8 hours ago
નાઈજીરિયા બાદ G20 સમિટ માટે વડાપ્રધાન મોદી પહોંચ્યા બ્રાઝિલ,જુઓ કેવી રીતે થયું સ્વાગત