ભારતનો છુટક ફુગાવો ઓક્ટોબરમાં વધીને 6.09% પર પહોંચી ગયો છે. આ સાથે જ, નવી ડેટા શ્રેણી હેઠળ તે પ્રથમ વખત મધ્યસ્થ બેંક (RBI)ની 6%ની મર્યાદાને વટાવી ગયો છે. ખાદ્ય પદાર્થોના વધતા ભાવોને કારણે સામાન્ય પરિવારોના બજેટ પર બોજ વધ્યો છે અને વ્યાજ દરોમાં વધુ વધારો થવાની અટકળો તેજ બની છે.
ફુગાવો સતત પાંચ મહિનાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના 4%ના મધ્યમ ગાળાના લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે. અગાઉની CPI (ગ્રાહક ભાવ સૂચકાંક) શ્રેણી હેઠળ, છેલ્લે બે વર્ષ પહેલાં ફુગાવાનો દર 6%ને વટાવી ગયો હતો.
DBS બેંકના વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાધિકા રાવે જણાવ્યું હતું કે, “આ આંકડાઓ ડિસેમ્બરમાં સતત બીજી વખત વ્યાજ દરોમાં વધારો થવાની અમારી અપેક્ષાને વધુ મજબૂત બનાવે છે.
” તેમણે ઉમેર્યું કે ફુગાવો હજુ તેની ટોચ પર પહોંચ્યો નથી. ગયા મહિને, RBIએ વૈશ્વિક સ્તરે અન્ય કેન્દ્રીય બેંકોને અનુસરીને લગભગ ચાર વર્ષમાં પ્રથમ વખત તેના બેન્ચમાર્ક ’રેપો રેટ’માં વધારો કર્યો હતો. આ નિર્ણય પાછળ ઊંચા ફુગાવાની અપેક્ષાઓ અને ભાવના દબાણમાં થયેલો વ્યાપક વધારો મુખ્ય કારણો હતા.
રેટિંગ એજન્સી ICRAના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે જણાવ્યું હતું કે, ડિસેમ્બરમાં વ્યાજ દરોમાં વધુ 25 બેસિસ પોઈન્ટનો વધારો થવો “લગભગ નિશ્ચિત” જણાય છે. ભારતનો પોલિસી રેટ 5.50% છે. ઓક્ટોબર પ્રિન્ટ મુખ્યત્વે ખાદ્ય પદાર્થોના ભાવને કારણે હતી, જે ભારતના ગ્રાહક ભાવ સૂચકાંકમાં લગભગ 40% હિસ્સો ધરાવે છે. ડુંગળી, લસણ અને આદુ જેવા મુખ્ય ઉત્પાદનોના ભાવમાં વધારો થતાં સપ્ટેમ્બરમાં ખાદ્ય ફુગાવો 7.74%થી ઓક્ટોબરમાં વધીને 8.94% થયો.
અમૂલ ડેરીએ દુધના ભાવમાં 4 રૂા. પ્રતિ લિટરનો વધારો ઝીંકયો
દેશભરમાં સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગ પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. દૂધ ક્ષેત્રની સૌથી મોટી કંપની અમૂલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર બેથી ચાર રૂૂપિયા સુધીનો વધારો ઝીંક્યો છે. તહેવારોની મોસમમાં અગાઉ અમૂલે ઘી અને બટરના ભાવ વધાર્યા બાદ હવે દૈનિક વપરાશના તાજા દૂધના પાઉચના ભાવ વધારી દેતાં સામાન્ય પરિવારોનું માસિક રસોડા બજેટ ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) દ્વારા દેશભરમાં અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા તાજા દૂધના મુખ્ય વેરિયન્ટ્સમાં 12 નવેમ્બર 2026થી અંદાજે 4થી 5 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. કંપનીના સૌથી વધુ વેચાતા અમૂલ તાઝા (ટોન્ડ મિલ્ક)ના ભાવમાં પ્રતિ લિટર રૂૂ.2નો વધારો કરાયો છે, જ્યારે અમૂલ ગોલ્ડ (6 ટકા ફેટ ધરાવતા દૂધ)ના ભાવમાં લિટર દીઠ રૂૂ.4નો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ તાઝામાં 3 ટકા ફેટ હોય છે.
