જમ્મુ-કાશ્મીર પોલીસના બે સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ (SPOs) કિશ્તવાડ જિલ્લામાં મૃત હાલતમાં મળી આવ્યા છે. તેઓ ઘણા કલાકોથી ગુમ હતા અને તેમના શરીર પર ગોળીઓના અનેક નિશાન હતા. આશંકા છે કે અજાણ્યા આતંકવાદીઓએ તેમનું અપહરણ કરીને તેમની હત્યા કરી છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રોએ ’ધ પ્રિન્ટ’ (ThePrint) ને આ માહિતી આપી છે. એવી પણ શંકા છે કે આતંકવાદીઓ તેમની સાથે તેમના સરકારી હથિયારોએક INSAS રાઈફલ અને એક .303 રાઈફલ પણ લઈ ગયા છે. સૂત્રોનું એમ પણ માનવું છે કે હત્યા કરતા પહેલા આ બંને જવાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, ઘટનાક્રમની ચોક્કસ વિગતો હજુ સ્પષ્ટ નથી.
મૃતકોની ઓળખ 45 વર્ષીય રશપાલ કુમાર અને 57 વર્ષીય બોબી ચંદ તરીકે થઈ છે. તેઓ બુધવારે બપોરે 3:00 વાગ્યાની આસપાસ કિશ્તવાડના દચ્છન વિસ્તારમાં આવેલા કિયાર સેક્ટરના ગીચ જંગલમાંથી ગુમ થયા હતા. ગુરુવારે સવારે તેમના ગોળીઓથી વીંધાયેલા મૃતદેહો મળી આવ્યા હતા.
પોલીસ સૂત્રના જણાવ્યા અનુસાર, આ બંને જવાનો જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા તે વિસ્તારમાં સ્થાપિત ’ટેક્ટિકલ ઓપરેટિંગ બેઝ’ પર તૈનાત હતા. તેઓ કર્મચારીઓની નિયમિત ફેરબદલી (રોટેશન) પ્રક્રિયાના ભાગરૂૂપે પોતાના કેમ્પ પર પાછા ફરી રહ્યા હતા. અપહરણની ઘટના સમયે, બંનેએ નાગરિક પોશાક (સિવિલિયન કપડાં) પહેરેલા હતા. એક સૂત્રએ જણાવ્યું, “આ બંને જવાનો મારવાહ સેક્ટરમાં આવેલા ધરણા સ્થિત તેમના કેમ્પ પર પાછા ફરી રહ્યા હતા ત્યારે ગુમ થઈ ગયા. તેમના ફોન પણ બંધ હતા.”
સૂત્રએ વધુમાં જણાવ્યું કે, એક ’એસ્કોર્ટ પાર્ટી’ (સુરક્ષા ટુકડી) ને આ બંને જવાનોને બેઝ પર પાછા લાવવાની અને તે જ સમયે અન્ય કર્મચારીઓના જૂથને નિર્ધારિત સ્થળે પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સૂત્રએ કહ્યું, “એસ્કોર્ટ પાર્ટીએ આ બંને જવાનોને કેમ્પ તરફ જતા જોયા હતા અને તેઓ અન્ય કર્મચારીઓને ઉતારવા માટે આગળ વધી ગયા. આ દરમિયાન જ બંને જવાનો ગુમ થઈ ગયા અને તેમના ફોન બંધ થઈ ગયા.”
બનાવના એક દિવસ પહેલા જ કુલગામમાં થયેલા હુમલાને પગલે સમગ્ર ક્ષેત્રમાં સુરક્ષા દળોને ’હાઈ એલર્ટ’ પર મૂકવામાં આવ્યા હતા. તે ઘટનામાં, એક આતંકવાદીએ સીઆરપીએફ જવાનો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા.
