ગેસની અછતથી ઉદ્યોગો અને શ્રમિકો મુશ્કેલીમાં: ધારાસભ્ય ટીલાળાની રજૂઆત

રાજકોટ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત ઉદ્યોગકારોને એલપીજી ગેસના બાટલાં સમયસર ઉપલબ્ધ ન થતાં મજૂર વર્ગ તથા ઉત્પાદન પ્રક્રિયામાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો…

રાજકોટ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત ઉદ્યોગકારોને એલપીજી ગેસના બાટલાં સમયસર ઉપલબ્ધ ન થતાં મજૂર વર્ગ તથા ઉત્પાદન પ્રક્રિયામાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ મહત્વપૂર્ણ પ્રશ્નને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની અધ્યક્ષતામાં ઉદ્યોગકારો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆત દરમિયાન કેબિનેટ મંત્રી તેમજ રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી તથા ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાને ઉદ્યોગકારોએ એલપીજી ગેસ બાટલાંની અછત દૂર કરવા તથા ગેસ પુરવઠો નિયમિત અને સમયસર ઉપલબ્ધ થાય તે માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા વિનંતી કરી હતી.

સાથે જ ઔદ્યોગિક વિસ્તારોમાં ગેસ પાઇપલાઇનનું કામ ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી હતી, જેથી ઉદ્યોગોને લાંબા ગાળે સ્થિર અને સરળ ગેસ પુરવઠો મળી રહે. આ પ્રસંગે શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન, ગ્રેટર ચેમ્બર, રાવકી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, હડમતાળા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના વિવિધ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં કે. સી. ચોવટીયા, મહેશભાઈ સાવલિયા, દુષ્યંતભાઇ ટીલારા, રાજેશભાઈ હપાણી વાલજીભાઇ લક્કડ, સહિતના ઉદ્યોગકારોએ પોતાની રજૂઆત કરી હતી. ઉદ્યોગકારોએ આશા વ્યક્ત કરી હતી કે રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દાને પ્રાથમિકતા આપીને ત્વરિત નિરાકરણ લાવવામાં આવશે, જેથી ઉદ્યોગોનું ઉત્પાદન અને મજૂર વર્ગનું રોજગાર પ્રભાવિત ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *