મનપાના આરોગ્ય વિભાગે 40 ટીમો બનાવી ડોર ટુ ડોર સરવે શરૂ કર્યો, 31 લોકો હોસ્પિટલમાં દાખલ
દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ઓળખાતા ઈન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં નર્મદા જળ સપ્લાયના નામે નાગરિકોને માનવ મળમૂત્ર મિશ્રિત પાણી પીવડાવવામાં આવતા 14 લોકોના મોત થયા છે, જેણે સમગ્ર તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ત્યારે આવી ભયાનક સ્થિતિ ગુજરાતના પાટનગરમાં પણ ઉભી થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. કારણ કે, ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડનો રોગચાળો ફાટી નીકળ્યો છે. છેલ્લાં કેટલાક દિવસોમાં ટાઇફોઇડના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે. છેલ્લાં અઠવાડિયાથી અત્યાર સુધીમાં ગાંધીનગરમાં 100થી વધુ ટાઇફોઇડના કેસ નોંધાયા છે. ગાંધીનગરના સેક્ટર 24, 26, 28 અને આદિવાળા, GIDC વિસ્તારમાં શંકાસ્પદ ટાઈફોઈડના કેસ નોંધાયા છે.
અચાનક વધેલા ટાઈફોઇડના કેસોના કારણે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ગાંધીનગર મનપાના આરોગ્ય વિભાગે 40 અલગ અલગ ટીમો બનાવીને કામ શરૂૂ કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે સર્વેલન્સ શરૂૂ કર્યું છે. ટાઈફોઇડ અસરગ્રસ્ત વિસ્તારમા આરોગ્ય વિભાગની ટીમે હાઉસ ટુ હાઉસ સર્વે પણ શરૂૂ કરાયો છે.
આ વિશે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું કે, પીવાના પાણીમાં લીકેજ શોધવા પણ ગાંધીનગર મનપા કામે લાગ્યું છે. સેક્ટર 24, 26 અને 28 માં કેસો સામે આવ્યા છે. 31 જેટલા લોકોને સારવાર માટે દાખલ કરાયા છે. પાટનગર ગાંધીનગરમાં પણ ઇન્દોર જેવી સ્થિતિ સર્જાય તેવું લાગી રહ્યું છે. ટાઈફોડના 100થી વધુ કેસ નોંધાતા હવે શહેરીજનોમાં ડર ભરાઈ ગયો છે.
104 બાળકો હોસ્પિટલમાં દાખલ
ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સુપરીટેન્ડન્ટ મિતા પરીખે ટાઈફોઈડના કેસોને લઈને કહ્યું કે, હાલ 104 પીડિયાટ્રિક વોર્ડમાં બાળકો એડમિટ કરાયા છે. E-2 અને F-2 માં બાળકો એડમિટ અને એક નવું વોર્ડ શરૂૂ કરાયો છે. તમામ બાળકો 1 થી 16 વર્ષની વચ્ચેના છે. હાલ તમામ બાળકોની કન્ડિશન સારી છે. તેઓને ઝાડા અને ઉલટી જેવી બીમારી સામે આવી છે. હાલ વોર્ડ 24, 28 અને અદિવાડા જેવા વિસ્તારમાં સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે. જેમાં પાણી પીવાલાયક નથી તેવું પણ રિપાર્ટમાં સામે આવ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં આવા કેસો વધ્યા છે.
