બુધવારે બ્રિસ્બેનમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25ની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ડ્રો રહી હતી. આ પરિણામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસને વધુ રસપ્રદ બનાવી છે. જોકે, આ ડ્રોને કારણે ભારતીય ટીમના પોઈન્ટ્સ પર્સેન્ટેજ પર અસર થઈ છે જેના કારણે ફાઈનલમાં જવાનો રસ્તો થોડો મુશ્કેલ બની ગયો છે.
આ ડ્રો સાથે ભારતે ચાર પોઈન્ટ એકત્રિત કર્યા અને ટીમના કુલ પોઈન્ટ 114 થઈ ગયા. જોકે, ભારતનો PCT 57.29 ટકાથી ઘટીને 55.88 ટકા થયો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન ચક્રમાં ભારતની આ બીજી ટેસ્ટ ડ્રો રહી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનું PCT પણ 60.71 ટકાથી ઘટીને 58.88 ટકા થયું છે. દક્ષિણ આફ્રિકા 63.33 ટકા સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા બીજા અને ભારત ત્રીજા સ્થાને છે.
ભારતીય ટીમ માટે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઈનલની રેસમાં રહેવું એક પડકાર બની ગયું છે. જો ભારતને ફાઇનલમાં પહોંચવું હશે તો તેણે બાકીની બે મેચોમાં હાર ટાળવી પડશે. જો ભારત બંને ટેસ્ટ જીતે છે તો ટીમના 138 પોઈન્ટ હશે અને પોઈન્ટ્સની ટકાવારી વધીને 60.52 ટકા થઈ જશે. આ સ્થિતિમાં ભારત સીધું ફાઇનલમાં પહોંચી જશે, જ્યારે ઓસ્ટ્રેલિયા ફાઇનલની રેસમાંથી બહાર થઇ જશે. જો ભારત એક મેચ જીતે છે અને એક ડ્રો કરે છે તો ટીમના 130 પોઈન્ટ હશે અને પોઈન્ટ્સની ટકાવારી 57.01 ટકા હશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામેની શ્રેણી 2-0થી જીતવી પડશે.જો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સીરિઝ 2-2 થી ટાઈ થાય છે તો ભારતના 126 પોઈન્ટ હશે અને પોઈન્ટ્સની ટકાવારી 55.26 ટકા હશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા ભારતથી આગળ નીકળી શકે છે.