PCTમાં 5.18 ટકાનો વધારો થયો
ભારતે શ્રીલંકા સામે ગોલમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 165 રનથી જીત હાંસલ કરી હતી. જીત માટે 372 રનના ટાર્ગેટના જવાબમાં શ્રીલંકાની બીજી ઈનિંગ 206 રનમાં સમેટાઈ ગઈ હતી. માનવ સુથારે 6 વિકેટ ઝડપી હતી. જીત સાથે ટીમ ઈન્ડિયાએ બે મેચની ટેસ્ટ સીરિઝમાં 1-0ની લીડ લીધી હતી.
સીરિઝની બીજી મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. ટીમ ઈન્ડિયાએ શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ ટેસ્ટ મેચ જીતવાની સાથે ભારતના PCT (પોઇન્ટ્સ ટકાવારી) માં તો ઉછાળો આવ્યો છે, પરંતુ તેમ છતાં રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટ બાદ હવે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની આ સાયકલમાં કુલ 10 મેચ રમી લીધી છે. તેમાંથી ટીમ ઈન્ડિયાએ પાંચ મેચ જીતી છે.
હવે તેના પોઈન્ટ્સ જે પહેલાં 52 હતા, તે વધીને 64 થઈ ગયા છે. આ ટુર્નામેન્ટમાં જીત પર ટીમને 12 પોઈન્ટ્સ આપવામાં આવે છે. આ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાનો PCT 48.15 હતો, જે હવે વધીને 53.33 થઈ ગયો છે; એટલે કે ભારતના PCT માં 5.18 ટકાનો વધારો થયો છે. આ મેચ પહેલાં પણ ટીમ ઈન્ડિયા પાંચમા સ્થાને હતી અને હાલમાં પણ તે જ સ્થાને યથાવત રહેશે.
