અભિષેક શર્મા-ઈશાન કિશનની ફટકાબાજી જોવા ક્રિકેટપ્રેમીઓ આતુર, બુમરાહ-હાર્દિકને અપાશે આરામ
આજે બુધવારે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ગ્રૂપ-એમાં છેલ્લી લીગ મેચ રમાશે જેમાં ભારત જીતવા અને અપરાજિત રહેવા કોઈ કસર બાકી નહીં રાખે. ટી-20નો વર્લ્ડ નંબર-વન બેટ્સમેન અભિષેક શર્મા છેલ્લા 18 મહિનાથી આંતરરાષ્ટ્રીય મેચો તેમ જ આઇપીએલમાં ધમાકેદાર ઇનિંગ્સ રમવા માટે જાણીતો છે. તેના ઉપરાંત ઇશાન કિશન પણ હવે આવી જ છાપ ધરાવતો હોવાથી બુધવારે અમદાવાદવાસીઓ બન્નેની મોટી ભાગીદારીની આશા રાખશે. યાદ રહે, અભિષેકના છેલ્લી છમાંથી ચાર ઇનિંગ્સમાં ઝીરો છે, જ્યારે ઇશાન કાતિલ ફોર્મમાં છે.
બુધવારે અમદાવાદની હાઇ-સ્કોરિંગ પિચ પર કુલદીપને કદાચ આરામ આપવામાં આવશે. બુમરાહને આરામ અપાશે તો અર્શદીપ અથવા સિરાજને મોકો મળી શકશે. ટીમ ઇન્ડિયા બે સ્પિનર વરુણ અને અક્ષરથી ચલાવી લેશે એવું મનાય છે. અભિષેક પણ સ્પિન બોલિંગથી વિકેટ અપાવી શકશે.
ભારતે અત્યાર સુધી ટૂર્નામેન્ટની બધી મેચ જીતી છે, પરંતુ પ્રદર્શન સંપૂર્ણ રીતે સંતોષકારક રહ્યું નથી. યુએસએ સામે ટીમ 77/6 બાદ ટીમ સંકટમાં આવી ગઈ હતી, જ્યારે નામિબિયા સામે મજબૂત શરૂૂઆત છતાં અપેક્ષા મુજબ મોટો સ્કોર ઉભો કરી શકાયો નહીં. પાકિસ્તાન સામે પણ ઇશાન કિશન સિવાય બેટિંગ લાઇનઅપ ખાસ અસરકારક દેખાઈ નહોતું. તેમ છતાં, સતત જીત ભારતની મજબૂતાઈ દર્શાવે છે.
આગામી સુપર 8 રાઉન્ડમાં ભારત વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વેનો સામનો કરશે. તેથી અંતિમ ગ્રુપ મેચમાં પોતાની કમજોરીઓ દૂર કરવી અને યોગ્ય કોમ્બિનેશન શોધવું જરૂૂરી બન્યું છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે આ યોગ્ય તક બની શકે છે.
નેધરલેન્ડ્સ સામે બુમરાહ અને પંડ્યાને આરામ આપવામાં આવી શકે છે. તેમની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજને વધુ જવાબદારી મળી શકે છે. બેટિંગ માટે અનુકૂળ અમદાવાદની પિચ પર બોલરોની સાચી કસોટી થશે. પંડ્યાની જગ્યાએ શિવમ દુબેને બોલિંગ ભૂમિકામાં અજમાવી શકાય છે. પંડ્યાની ગેરહાજરી રિંકુ સિંહ અને અક્ષર પટેલને વધુ તક આપી શકે છે. વોશિંગ્ટન સુંદરને પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાની શક્યતા છે. સતત રમતા વરુણ ચક્રવર્તીને આરામ અપાઈ શકે છે. સુપર 8 પહેલા ટીમ પાસે પોતાને વધુ મજબૂત બનાવવાની આ સુવર્ણ તક છે. બીજી બાજુ નેધરલેન્ડ્સ ની ટીમ માટે વિશ્વ કપની પ્લેટફોર્મ બહુ ઉપયોગી સાબિત થશે. પાકિસ્તાન સામે જીતતા જીતતા રહી ગયા હતા. આ વિશ્વકપમાં તેમણે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. બોલિંગ તેમજ બેટીંગમાં કેટલાક યાદગાર દેખાવ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
ભારત સામે નો મેચ તેમના માટે અત્યંત મહત્વનો છે જો આ મેચમાં તેઓ સારો દેખાવ કરશે તો આવનારા દિવસોમાં આંતરરાષ્ટ્રીય લેવલ પર ટીમની મજબૂતી વધશે. નેધરલેન્ડ્સ સામે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન : ઈશાન કિશન (વિકેટકીપર), અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
