ભારતનું શાનદાર કમબેક, વે.ઇન્ડિઝને હરાવીને શ્રેણીમાં લીડ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી ટી20 મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 14 રનથી હરાવ્યું હતું અને…

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ત્રીજી ટી20 મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને 14 રનથી હરાવ્યું હતું અને આ સાથે શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 223 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા તરફથી અભિષેક શર્માએ 30 બોલમાં સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. જવાબમાં, વેસ્ટ ઈન્ડિઝની ટીમ 20 ઓવરમાં બેટિંગ કર્યા પછી 7 વિકેટ ગુમાવીને માત્ર 209 રન જ બનાવી શકી હતી.

ભારતની શરૂૂઆત સારી રહી ન હતી, સંજુ સેમસન માત્ર 3 રનમાં આઉટ થઈ ગયો. જોકે, અભિષેક શર્મા અને ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી અને ઝડપથી સ્કોરને વેગ આપ્યો, માત્ર 40 બોલમાં 108 રનની શાનદાર ભાગીદારી નોંધાવી. અભિષેક શર્માએ ધમાકેદાર ઇનિંગ રમી, 30 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 69 રન બનાવ્યા, જ્યારે ઈશાન કિશને પણ 18 બોલમાં 37 રનની શાનદાર ઇનિંગ રમી. તેમના આઉટ થયા પછી, તિલક વર્માએ 28, નીતિશ કુમાર રેડ્ડીએ 21 અને અક્ષર પટેલે 20 રનનું યોગદાન આપ્યું. જોકે, મધ્યમ અને નીચલા ક્રમના બેટ્સમેન ઝડપથી આઉટ થયા, જેના કારણે ભારત 20 ઓવરમાં 223 રનમાં ઓલઆઉટ થઈ ગયું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી, રોસ્ટન ચેઝ, શમર જોસેફ અને શમર સ્પ્રિંગરે 2-2 વિકેટ લીધી, જ્યારે ગુડાકેશ મોતી અને કીમો પોલે 1-1 વિકેટ લીધી.

લક્ષ્યનો પીછો કરતા વેસ્ટ ઈન્ડિઝની શરૂૂઆત પણ નબળી રહી. ફોર્મમાં ચાલી રહેલા કેપ્ટન શાઈ હોપ માત્ર 5 રન બનાવીને આઉટ થયા. ત્યારબાદ શિમરોન હેટમાયર અને કામિલ પૂરને બીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી. હેટમાયર અડધી સદી ચૂકી ગયો અને અંતે 26 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો. આ દરમિયાન પૂરને 27 બોલમાં 42 રન બનાવ્યા. ક્વિન્ટન સેમ્પસને 15 બોલમાં 21 રન બનાવ્યા, જ્યારે શેરફેન રધરફોર્ડે 20 બોલમાં 32 રન બનાવ્યા. ભારત માટે અર્શદીપ સિંહે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી.

લખનૌમાં પ્રથમ મેચમાં, ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને 8 વિકેટથી જીત મેળવી, જેમાં કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર સદી ફટકારી. ત્યારબાદ, રાંચીમાં બીજી મેચમાં, વેસ્ટ ઈન્ડિઝે કેપ્ટન શાઈ હોપની શાનદાર સદીની મદદથી રેકોર્ડ 250 રન બનાવીને મેચ 6 વિકેટથી જીતી અને શ્રેણી 1-1 થી બરાબર કરી. હવે, ત્રીજી T20I જીતીને, ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-1 ની લીડ મેળવી છે.

પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ અભિષેક શર્માને નહીં, પરંતુ ઝડપી બોલર અર્શદીપ સિંહને મળ્યો. અર્શદીપે મેચમાં શાનદાર બોલિંગ કરી, ચાર ઓવરમાં 44 રન આપીને ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લીધી. વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ દરમિયાન, જ્યારે મુલાકાતી ટીમ તેમના પીછો કરવામાં અત્યંત ખતરનાક દેખાતી હતી અને મેચ ભારતથી સરકી રહી હોય તેવું લાગતું હતું, ત્યારે અર્શદીપની ઉત્તમ બોલિંગ અને સચોટ યોર્કરે પાટા ફેરવી દીધા. તેણે ખતરનાક શેરફેન રૂૂધરફોર્ડને શાનદાર યોર્કર બોલથી બોલ્ડ કરી, જેનાથી વેસ્ટ ઈન્ડિઝની જીતની આશાઓ પર પાણી ફરી ગયું. તેણે અગાઉ શાઈ હોપને ક્લીન બોલ્ડ કર્યો હતો અને કીમો પોલને તિલક વર્માએ કેચ કરાવ્યો હતો.

અભિષેકનો સૌથી ઝડપી 2000 રનનો વર્લ્ડ રેકોર્ડ
ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર અભિષેક શર્માએ ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મોટી સિદ્ધિ મેળવી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં તેણે પોતાની કારકિર્દીના 2,000 રન પૂરા કર્યા. આ સાથે તેણે માત્ર રનનો આંકડો જ પાર કર્યો નથી, પરંતુ સૌથી ઓછા બોલમાં આ મુકામ સુધી પહોંચવાનો વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. આ મેચ પહેલાં અભિષેક શર્માના નામે ટી20 ઈન્ટરનેશનલમાં 1,967 રન હતા. 2,000 રન પૂરા કરવા માટે તેને માત્ર 33 રનની જરૂૂર હતી. તેણે વેસ્ટ ઈન્ડિઝ સામે આ રન બનાવતાં જ સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખ્યો. અભિષેકે માત્ર 1,024 બોલમાં 2,000 રન પૂરા કર્યા. અગાઉ આ રેકોર્ડ સૂર્યકુમાર યાદવના નામે હતો, જેણે 1,164 બોલમાં આ મુકામ હાંસલ કર્યો હતો. એટલે અભિષેકે સૂર્યકુમાર કરતાં 140 બોલ ઓછા રમતાં આ સિદ્ધિ મેળવી. અભિષેક શર્મા ટી20 ઈન્ટરનેશનલમાં 2,000 રન પૂરા કરનાર ભારતનો છઠ્ઠો બેટર બન્યો છે. આ પહેલાં રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *