નોકરી માટે બેલારુસ ગયા પછી ફસાયેલી મહિલા મીના જોષી હવે તેમના વતન નવસારીમાં પરત ફરશે. વડોદરાના એજન્ટ પીયૂષ ચૌહાણે જ મહિલાની ટિકિટની વ્યવસ્થા કરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં મીનાબેનને સેફ હાઉસમાં રાખવાની વ્યવસ્થા પણ કરાઈ છે. આજે રાતે 9.20 વાગ્યે બેલાવીઆ એરલાઇન્સ મારફતે મિન્સ્ક ઇન્ટરનેશનલ એરપોર્ટથી ભારત આવવા રવાના થશે અને 24 જાન્યુઆરી સવારે 6.40 વાગ્યે દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. બાદમાં તેઓ નવસારી ખાતે પહોંચશે. આ સમાચારથી મહિલાના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
મહિલાએ એજન્ટ સામે આક્ષેપો કર્યા હતાં. મહિલાના વીઝાની પ્રોસેસ કરનાર ગજાનંદ ઓવરસિસના માલિક પિયુષ ચૌહાણે જણાવ્યું હતું કે, મીનાબેનનો વીડિયો વાઇરલ થયા બાદ તેમને ભારત પરત લાવવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. અમને આ વાતની જાણ થઈ છે. અમે તાત્કાલિક અમારી કંપનીનો સંપર્ક કર્યો હતો. કંપનીએ એક દિવસનો સમય માંગ્યો હતો અને ત્યારબાદ બેન જ્યાં હતા, ત્યાંથી તેમને શોધી કાઢ્યા અને હાલમાં સેફ હાઉસમાં તેમની રહેવાની વ્યવસ્થા કરી આપી છે.
જો આ બાબતની જાણ તેમણે અમને અગાઉ કરી હોત કે તેમને ભારત પરત આવવું છે, તો આ રીતે વીડિયો વાઇરલ કરવાની જરૂૂર ન પડત અને તેઓ સુરક્ષિત રીતે વહેલા પરત આવી શક્યા હોત. નવસારીના શાંતાદેવી વિસ્તારમાં રહેતાં અને ત્રણ બાળકની માતા અને વિધવા મહિલા મીનાબેન જોષીને બેલારુસમાં ફ્રૂટ પેકિંગની નોકરી અપાવવાની લાલચ આપી એજન્ટોએ લાખો રૂૂપિયા ખંખેરી લીધા બાદ તેમને ત્યાં નિ:સહાય હાલતમાં છોડી દીધાં છે. 5 હજાર કિ.મી. દૂર ફસાયેલી મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને જે પગાર અને નોકરીની વાત કરી હતી એેમાંનું કશું પણ તેને બેલારુસમાં નથી મળ્યું. બીજી તરફ, તેના એજન્ટે મહિલા પર કામમાં બેદરકારી દાખવવાનો આરોપ લગાવ્યો છે. નવસારીનાં મીનાબેન જોષી વડોદરાના એજન્ટોના સંપર્કમાં આવતાં તેમને બેલારુસમાં ફ્રૂટપેકિંગના કામમાં દર મહિને 90 હજાર રૂૂપિયાના માતબર પગારની વાત કરતાં તેમણે પોતાની જિંદગીની જમા પૂંજી અને લોન કરીને કુલ 5.50 લાખ રૂૂપિયા એજન્ટોને ચૂકવી દીધા હતા. બેલારુસ પહોંચ્યાં બાદ મીનાબેનને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમને ફ્રૂટપેકિંગને બદલે એક તબેલામાં પશુઓની સારસંભાળ રાખવાના કામમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં.
