નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ઇઠઋ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો પ્રારંભ મોટા અપસેટ સાથે થયો. ભારતના 21 વર્ષીય બેડમિન્ટન ખેલાડી આયુષ શેટ્ટીએ પોતાની પહેલી જ મેચમાં એવી સિદ્ધિ હાંસલ કરી જેની કોઈએ અપેક્ષા રાખી નહોતી. આયુષે રાઉન્ડ ઓફ 64માં જોરદાર ટક્કર બાદ વિશ્વના નંબર વન અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના શી યુ ક્વિને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધો. વૈશ્વિક સ્તરે 22મા ક્રમે રહેલા આયુષ શેટ્ટીએ 21-14, 13-21, 21-19ના સ્કોર સાથે મેચ જીતી લીધી.
આયુષે શરૂૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું. ઘરઆંગણે રમતા તેણે જોરદાર સ્મેશ અને બેસ્ટ નેટ પ્લે દ્વારા પ્રથમ ગેમ 21-14થી સરળતાથી જીતી લીધો. બીજી ગેમમાં ચીની સ્ટાર શી યુ ક્વિએ શાનદાર વાપસી કરી. કોર્ટ પોઝિશનિંગનો લાભ ઉઠાવતા તેણે આયુષ પર દબાણ બનાવ્યું અને બીજી ગેમ 21-13થી જીતીને મેચ 1-1થી બરાબર કરી દીધી.
ત્રીજી અને અંતિમ ગેમમાં દરેક ક્ષણે ઉત્સાહ બદલાતો જોવા મળ્યો. આયુષે શરૂૂઆતમાં લીડ મેળવી, પરંતુ ચીની સ્ટારે ધીમે ધીમે વાપસીનો પ્રયાસ કર્યો. સ્પર્ધા અત્યંત કડક બનતા આયુષે દબાણ હેઠળ પોતાનો સંયમ જાળવી રાખ્યો અને અને ગેમ 21-19થી જીતી લીધી.
મેચ જીત્યા પછી આયુષ શેટ્ટીએ કહ્યું કે જ્યારે શી યુકી વાપસી કરી રહ્યો હતો અને ગેમનો માહોલ બદલાઈ રહ્યો હતો ત્યારે તે થોડો નર્વસ અનુભવતો હતો. જોકે, તે પોતાના મનને શાંત રહેવા અને ગેમની આક્રમક શૈલી જાળવી રાખવા કહેતો રહ્યો. એશિયન ચેમ્પિયનશિપ ફાઇનલમાં પોતાની હારનો બદલો લઈને આયુષ શેટ્ટીએ તેના ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો છે.
