ન્યૂયોર્ક ટાઇમ્સના 9 જાન્યુઆરીના રિપોર્ટ અનુસાર, અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ અરુણ સુબ્રમણ્યમે એક વચગાળાનો આદેશ જાહેર કરીને ટ્રમ્પ વહીવટીતંત્રને આશરે 10 અબજ ડોલરની ફન્ડિંગ રોકવા પર હાલમાં અમલ ન કરવા સૂચના આપી છે. આ ફન્ડિંગ બાળકોની સંભાળ, પારિવારિક સહાય અને સામાજિક સેવાઓ સાથે સંબંધિત હતી, જેની અસર ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, મિનેસોટા, ઇલિનોય અને કોલોરાડો જેવા રાજ્યો પર પડવાની હતી.
ટ્રમ્પ વહીવટીતંત્રે આ મહિનાની શરૂૂઆતમાં જ આ ફન્ડિંગ રોકવાની જાહેરાત કરી હતી. સરકારનું કહેવું હતું કે, રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓમાં છેતરપિંડી અને ટેક્સપેયર્સના નાણાના દુરુપયોગ અંગે ગંભીર ચિંતાઓ છે. ખાસ કરીને મિનેસોટામાં ડે-કેર સાથે જોડાયેલા કથિત કૌભાંડોનો હવાલો આપવામાં આવ્યો હતો, જેને ’અમેરિકા ફર્સ્ટ’ નીતિ, ઇમિગ્રેશન અને સરકારી ખર્ચ સાથે જોડવામાં આવ્યો હતો.
જો કે, પ્રભાવિત રાજ્યોએ અદાલતનો સંપર્ક કર્યો અને કહ્યું કે, ફન્ડિંગ રોકવું ગેરકાયદેસર છે. રાજ્યોની દલીલ હતી કે, આ નિર્ણય કોંગ્રેસ (સંસદ)ના બજેટ અધિકારનું ઉલ્લંઘન કરે છે અને નિર્ધારિત વહીવટી પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે, આ નિર્ણયથી ગરીબ પરિવારો, બાળકો અને દિવ્યાંગ લોકોને તાત્કાલિક નુકસાન થશે. આ કપાતમાં અંદાજે 7.3 અબજ ડોલરની પારિવારિક સહાય, 2.4 અબજ ડોલરની ચાઇલ્ડ કેર ફન્ડિંગ અને અન્ય સામાજિક યોજનાઓનો સમાવેશ થાય છે.
45 વર્ષીય અરુણ શ્રીનિવાસ સુબ્રમણ્યમની અમેરિકાની ફેડરલ કોર્ટના સૌથી યુવા જજોમાં ગણતરી થાય છે. વર્ષ 2023માં તેઓ ન્યૂયોર્કના સાઉદર્ન ડિસ્ટ્રિક્ટમાં નિયુક્ત થનારા પ્રથમ દક્ષિણ એશિયાઈ જજ બન્યા. પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડને 2022માં તેમનું નામ મોકલ્યું હતું અને સેનેટ દ્વારા સેનેટર ચક શૂમરની ભલામણ પર મંજૂરી આપવામાં આવી હતી.
