ભારતની પુરુષ હોકી ટીમે બુધવારે સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી હરાવીને 2026 એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી. આ 7મી વખત છે જ્યારે ટીમ ઇન્ડિયાએ ટૂર્નામેન્ટની ફાઇનલમાં કદમ મૂક્યો છે. મોહાલીના ઓલિમ્પિયન બલબીર સિંહ સીનિયર ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં ભારત તરફથી પૂરો દબદબો જોવા મળ્યો. આજે સાંજે 7 વાગ્યાથી મોહાલી સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો જાપાન સામે થશે.
ભારત માટે શિલાનંદ લાકડા (ચોથી અને 13મી મિનિટે) અને દિલપ્રીત સિંહ (21મી અને 25મી મિનિટે) એ બબે ગોલ કર્યા. આ સિવાય કેપ્ટન હરપ્રીત સિંહ (નવમી મિનિટે), સુખજીત સિંહ (21મી મિનિટે), અંગદ બીર (36મી મિનિટે) અને વિવેક સાગરે (54મી મિનિટે) 1-1 ગોલ ફટકાર્યો. સેમિફાઇનલ મુકાબલો ભારત માટે એકતરફી રહ્યો. શિલાનંદ લાકડાએ ચોથી મિનિટે ગોલ કરીને ભારતનું ખાતું ખોલ્યું. 9મી મિનિટે દક્ષિણ કોરિયા તરફથી વળતો પ્રહાર થયો, સંગજુન હાને ગોલ કરીને સ્કોર 1-1 થી બરાબર કરી દીધો. પરંતુ થોડી જ સેક્ધડો બાદ 9મી મિનિટે ભારત તરફથી બીજો ગોલ કેપ્ટન હરપ્રીત સિંહે કરી દીધો. પહેલો ક્વાર્ટર પૂરો થાય તે પહેલાં 13મી મિનિટે શિલાનંદે વધુ એક ગોલ ફટકારી દીધો. પહેલો ક્વાર્ટર સમાપ્ત થવા પર ટીમ ઇન્ડિયા પાસે 3-1 ની સરસાઈ હતી.
બીજા ક્વાર્ટરમાં ભારત તરફથી 3 ગોલ જોવા મળ્યા. 21મી મિનિટે સુખજીત સિંહ અને દિલપ્રીત સિંહે ગોલ કર્યો. આગળ વધતાં દિલપ્રીત સિંહે 25મી મિનિટે વધુ એક ગોલ કરી દીધો. હવે 2 ક્વાર્ટર બાદ ભારત પાસે 6-1 ની સરસાઈ થઈ ગઈ. ત્રીજા ક્વાર્ટરમાં ભારત તરફથી એક ગોલ થયો, જે અંગદ બીરે 36મી મિનિટે કર્યો. ત્રણ ક્વાર્ટર બાદ ભારત પાસે 7-1 ની સરસાઈ હતી. ચોથા અને છેલ્લા ક્વાર્ટરમાં ભારત માટે વિવેક સાગરે 54મી મિનિટે ગોલ કર્યો. આ ફુલ ટાઇમમાં ભારતે 8-1 થી મેચ પોતાના નામે કરી લીધી.
