ટ્રમ્પ સામે ઝૂકી જવાના બદલે ભારતે ચીન સાથે મળી કામ કરવું બહેતર

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચી ગયા છે અને આજે ચીન જવા રવાના થશે. મોદી સાત વર્ષ પછી ચીનની મુલાકાતે જવાના છે એ રીતે…

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચી ગયા છે અને આજે ચીન જવા રવાના થશે. મોદી સાત વર્ષ પછી ચીનની મુલાકાતે જવાના છે એ રીતે તો આ મુલાકાત મહત્ત્વની છે જ પણ દુનિયાનાં બદલાયેલાં સમીકરણોના કારણે પણ આ મુલાકાત મહત્ત્વની છે. મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટમાં હાજરી આપવા ચીન જઈ રહ્યા છે પણ ડોનલ્ડ ટ્રમ્પના ટેરિફના તાયફાઓના કારણે આખી દુનિયાની નજર મોદીની ચીનની મુલાકાત પર મંડાયેલી છે. મોદી ચીનમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને રશિયન પ્રમુખ પુતિનને મળવાના છે અને આ બેઠકમાં અમેરિકાને બહુ રસ છે કેમ કે આ બેઠકમાં ભારતના ભવિષ્યના આર્થિક સંબંધોનો તખ્તો ઘડાશે.

ડોનલ્ડ ટ્રમ્પે ભારતને ડરાવવા 50 ટકા ટેરિફ લાદ્યો તેની ઐસીતૈસી કરીને મોદી ચીન-રશિયા સાથે નવી ધરી રચી રહ્યા છે. ચીન અને ભારત દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતા દેશ છે અને દુનિયાની કુલ વસતીમાં ત્રીજા ભાગની વસતી આ બે દેશોમાં છે તેથી બંને પાસે બહુ તોતિંગ માર્કેટ છે. રશિયા પણ હથિયારો, ક્રૂડ ઓઈલ, ટેકનોલોજીમાં અમેરિકાને ટક્કર મારે એવો દેશ છે તેથી ભારત, રશિયા અને ચીનની ત્રિમૂર્તિ બને તો અમેરિકાને ભોં ભારે પડી જાય એટલે અમેરિકા ભારે ઉચાટમાં પણ છે.

ટ્રમ્પે ભારતની મેથી મારી મારીને ચીન તરફ ઢળવા માટે મજબૂર કર્યું છે એ વાત સાવ સાચી છે. ચીન તરફ ભારતને જરાય હેત નથી અને છેલ્લાં પાંચેક વર્ષથી તો ભારત અને ચીનના સંબંધો સાવ ખરાબ હતા. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 2020માં થયેલી ગલવાન ખીણ અથડામણના કારણે ભારત-ચીનના આર્થિક સંબંધોને ફટકો પડયો હતો. લગભગ ચાર વર્ષ સુધી બંને દેશોના સંબંધોમાં તણાવ જ હતો ને ટ્રમ્પ અમેરિકાના પ્રમુખપદે ના આવ્યા હોત તો આ તણાવ ચાલુ જ રહેવાનો હતો કેમ કે ભારતને ચીનની ગરજ જ નહોતી પણ ટ્રમ્પે પ્રમુખ બન્યા પહેલાં જ ભારતની મેથી મારવાના મનસૂબા જાહેર કરવા માંડ્યા તેમાં ભારતે પોતાની ચીન તરફની વ્યૂહરચના બદલવાની ફરજ પડી. ભારત માટે ચીન બહુ ભરોસાપાત્ર નથી એ વાત સાચી પણ ટ્રમ્પે જે પરિસ્થિતિ સર્જી છે એ જોતાં ભારત પાસે ચીન સાથે : હાથ મિલાવવા જ શ્રેષ્ઠ વિકલ્પ છે કેમ કે ચીન ટ્રમ્પની જેમ ભારતને ઘૂંટણિયે પાડીને કશું કરાવવા માગતું નથી. બલકે . ચીન તો પોતાને અને ભારતને બંનેને ફાયદો થાય એ રીતે ? આગળ વધવા તૈયાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *