અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર આપણા પાડોશી દેશો પર પડવા માંડી છે તેથી ભારતમાં ચિંતાનો માહોલ છે. આપણા પાડોશી દેશોમાં પાકિસ્તાને તો લોકડાઉન જ જાહેર કરી દીધું છે જ્યારે બાંગ્લાદેશમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર ટોચ મર્યાદા લાગુ કરી દીધી છે. તેના કારણે સોશ્યલ મીડિયા પર પડીકાં ફરતાં થઈ ગયાં છે કે, ભારતમાં પણ આવી સ્થિતિ સર્જાઈ શકે છે પણ ભારતીયોએ જરાય ચિંતા કરવાની જરૂૂર નથી કેમ કે ભારતનું અર્થતંત્ર આખી દુનિયામાં વિશિષ્ટ છે તેથી ભારતમાં પાકિસ્તાન જેવી સ્થિતિ સર્જાઈ શકે એવી કોઈ શક્યતા નથી.પાકિસ્તાનમાં ક્રૂડ ઓઈલની વધી રહેલી કિંમતને ધ્યાનમાં રાખીને ખર્ચમાં કાપની ઢગલો જાહેરાતો કરાઈ છે. આ જાહેરાતો પ્રમાણે, હવે સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ખુલશે અને અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. શાળાઓ બે અઠવાડિયા માટે બંધ રહેશે.
અને મંત્રીઓ અને સલાહકારો વિદેશ પ્રવાસે નહીં જઈ શકે. મંત્રીઓ બે મહિના સુધી પગાર નહીં લે અને સાંસદોના પગારમાં 25 ટકાનો ઘટાડો થશે.બે મહિના સુધી 60 ટકા સરકારી વાહનો બહાર નહીં કઢાય ને વપરાશે એ સરકારી વાહનોને અડધું જ પેટ્રોલ-ડીઝલ મળશે. તમામ સરકારી વિભાગો પણ ખર્ચમાં 20 ટકાનો ઘટાડો કરશે. બજારમાં મળતા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ 55 રૂૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો કરવામાં આવ્યો છે.બાંગ્લાદેશમાં બાઇક માટે દિવસમાં માત્ર 2 લિટર પેટ્રોલ મળશે. ખાનગી કારને મહત્તમ 10 લિટર જ્યારે બસો અને ટ્રકોને 70 થી 220 લિટર સુધીની મર્યાદામાં પેટ્રોલ-ડીઝલ મળશે.
દરેક પેટ્રોલ પંપ પર રસીદ આપવી ફરજિયાત કરાઈ છે અને અગાઉની ખરીદીની રસીદ બતાવ્યા વિના નવું પેટ્રોલ-ડીઝલ નહીં મળે. ભારતમાં આ પ્રકારનું રેશનિંગ દાખલ કરવું પડશે ? બિલકુલ નહીં. નરેન્દ્ર મોદી સરકારે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ભારતમાં પેટ્રોલ-ડીઝલની તંગી પણ નથી સર્જાવાની કે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ નથી વધવાના તેથી સાવ નચિંત થઈને બેસો ને સંગ્રહખોરી ના કરશો. આ સધિયારા વચ્ચે કેન્દ્ર સરકારની માલિકીની ઓઈલ કંપનીઓએ એલપીજી એટલે કે રાંધણ ગેસના બાટલામાં 60 રૂૂપિયાનો ભાવવધારો ઝીંકી જ દીધો તેના કારણે કોને ભારતમાં પણ હાલત ખરાબ થશે તેની ચિંતા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે તો બીજી ચીજોના પણ ભાવ વધશે ને પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે એવી ચિંતા સામાન્ય લોકોને છે.દુનિયામાં બધે યુદ્ધના કારણે ક્રૂડનો કકળાટ છે તેથી આ ચિંતા સ્વાભાવિક છે પણ કમ સે કમ આ વખતે મોદી સરકારની વાત પર ભરોસો કરવા જેવો છે. તેનું કારણ એ કે, ભારત ક્રૂડ ઓઈલ માટે ઈરાન તે અખાતના દેશો પર જ નિર્ભર નથી.
ભારતનું મોટા ભાગનું ક્રૂડ અખાતના દેશોમાંથી જ આવે છે. એ સાચું પણ આ આપત્તિના સમયમાં ભારત પાસે રશિયા અને વેનેઝુએલા એ બે મોટા વિકલ્પ પણ છે. મોદી સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ હમણાં નહીં વધવા દે એ માટે એક બીજું પણ નક્કર કારણ છે. ચાલુ વર્ષના મે સુધીમાં આસામ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, કેરળ અને તમિળનાડુ એ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. આસામમાં ભાજપ છેલ્લાં 10 વર્ષથી સત્તામાં છે ને આ વખતે સત્તા જાળવી રાખવાનો પડકાર છે તેથી મોદી સરકાર કોઈ જોખમ ના લે. આપણી પાડોશમાં જ યુદ્ધ ચાલતું હોય તેની કિંમત ચૂકવવી જ પડે પણ ભારત એટલે બહું મોટી કિંમત નહીં ચૂકવે કે ભારતનું સામાન્ય જનજીવન મહ્દ અંશે આત્મનિર્ભર છે.
પેટ્રોલ-ડીઝલ કે ઉદ્યોગો માટેના કાચા માલને બાદ કરતાં ભારતમાં બાકીની ચીજો એટલા પ્રમાણમાં થાય છે કે, સામાન્ય લોકોના જીવનને અસર ના થાય. આપણી સરકાર કશું ના કરે કે દુનિયાના બીજા દેશોમાં આભતૂટી પડે તો પણ આપણું કામ ચાલી જાય એવું આર્થિક સ્વાવલંબન આપણે આઝાદી પહેલાંથી મેળવી લીધેલું તેથી બહુ ચિંતા કરવી નહીં. યુદ્ધ જલદી પતે તો સારું પણ ડોનલ્ડ ટ્રમ્પ ને ખામેનેઇ જેવા માથાના ફરેલા માણસોના કારણે યુદ્ધ લેવાઈ શકે છે તેથી તેની માનસિક તૈયારી રાખવી.
