ભારતમાં પેટ્રોલ-ડીઝલ, સીએનજી વગેરે ફ્યુઅલ્સના ભાવમાં વધારો ઝીંકવાનો સિલસિલો શરૂૂ થયો છે અને દસ દિવસમાં ચાર વાર ભાવવધારો ઝીંકાઈ ચૂક્યો છે ત્યારે એક સારા સમાચાર છે. ઈરાને જાહેરાત કરી છે કે, એક મહિનામાં હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિતી સામાન્ય થઈ જશે અને કોમર્શિયલ જહાજો એટલે કે ક્રૂડ ઓઈલ લઈને જતાં જહાજો યુદ્ધ પહેલાં જે રીતે નિર્વિઘ્ને જતાં હતાં એ સ્થિતિ પાછી થઈ જશે. ઈરાનની સરકારે સત્તાવાર રીતે આ જાહેરાત કરી નથી પણ ઈરાનની અર્ધ સરકારી ન્યૂઝ એજન્સી તસનીમે આ દાવો કર્યો છે. ઈરાને માગ કરી છે કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી 30 દિવસની અંદર યુએસ નૌકાદળની નાકાબંધીને સંપૂર્ણપણે હટાવી લેવામાં આવે અને અમેરિકા એ માટે સંમત થઈ ગયું છે. ઈરાન જેવા દેશોમાં સરકારમાં બેઠેલા લોકોની મંજૂરી વિના મીડિયામાં એક લાઈન પણ ના આવી શકે એ જોતાં તસનીમનો દાવો ઈરાન સરકારના મનની વાત જ છે એ કહેવાની જરૂૂર નથી. અમેરિકાએ પણ આ વાતનો ઈન્કાર કર્યો નથી એ જોતાં આ વાત સાચી હોવાની પ્રબળ શક્યતા છે.
સત્તાવાર રીતે ઈરાન કે અમેરિકાએ કરારમાં શું હશે તેની કોઈ વાત કરી નથી પણ અમેરિકાની એક્સિઓસ વેબસાઈટમાં એવો રીપોર્ટ છે કે યુએસ અને ઈરાન 60 દિવસનો યુદ્ધવિરામ લંબાવવાનો કરાર કરશે. આ બે મહિનાના ગાળામાં અમેરિકા હોર્મુઝ સ્ટ્રેઈટ ફરતેની કિલ્લેબંધી હટાવી લેશે અને ઈરાન પણ કોઈ વિઘ્ન ઊભું નહીં કરી શકે. મતલબ કે, હોર્મુઝ સ્ટ્રેઈટ ફરીથી ખોલી દેવામાં આવશે. આ ઉપરાંત ઈરાનને મુક્ત રીતે ક્રૂડ ઓઈલ વેચવાની છૂટ મળશે અને તેના બદલામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે શું પગલાં લેવાં તે અંગે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો થશે. આ વાટાઘાટો સીધી અમેરિકા અને ઈરાન વચ્ચે થશે, બીજો કોઈ દેશ કે એજન્સી તેમાં સામેલ નહીં હોય. આ કરારના પ્રથમ તબક્કામાં ઈરાનના ફ્રીઝ કરી દેવાયેલા ફંડનો કેટલોક હિસ્સો પણ મુક્ત કરાશે કે જેથી ઈરાન પરનું આર્થિક દબાણ હટી જાય.
એક્સિઓસનો રીપોર્ટ ઈરાનની અર્ધ-સત્તાવાર તસનીમ સમાચાર એજન્સીના અહેવાલ સાથે મેળ ખાય છે એ જોતાં બહુ જલદી સારા સમાચારની અપેક્ષા સાવ વાંઝણી નથી. આ કરારમાં બીજું શું શું હશે એ અંગે અટકળો ચાલી રહી છે પણ ભારત સહિતના દેશોને તેમાં કોઈ રસ નથી. ભારતને તો હોર્મુઝ સ્ટ્રેઈટ ખૂલે અને ક્રૂડ ઓઈલ પહેલાંની જેમ સરળતાથી મળતું થઈ જાય તેમાં રસ છે. હોર્મુઝ સ્ટ્રેઈટની બબાલના કારણે ભારતનો બે બાજુથી મરો થયો છે. એક તરફ ભારતને જરૂૂરી ક્રૂડ ઓઈલનો જથ્થો મળતો નથી તેથી ભારતે ઊંચા ભાવે ક્રૂડ ખરીદવું પડે છે તેમાં આયાતનું બિલ વધી ગયું છે. તેના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાની નોબત તો આવી જ છે પણ ઉદ્યોગ-ધંધાઓને પણ મોટો ફટકો પડતાં ભારતીય અર્થતંત્ર ફુલગુલાબી હોવાનો ફૂલાવાયેલો ફુગ્ગો ફૂટી ગયો છે. ડોલર સામે રૂૂપિયો નવી નવી નીચી સપાટી બનાવી રહ્યો છે.
