ધર્મશાલાના મેદાન પર રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ઝ20 મેચમાં ટીમ ઈન્ડિયાએ એકતરફી પ્રદર્શન કરતા મહેમાન ટીમને 7 વિકેટે ધૂળ ચટાડી દીધી છે. ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે ફળદાયી સાબિત થયો હતો. ભારતીય બોલરોની ઘાતક બોલિંગ સામે પ્રોટીઝ ટીમ માત્ર 117 રનમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જવાબમાં ભારતે આ લક્ષ્યાંક 25 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ભારતે 5 મેચની શ્રેણીમાં 2-1 થી મહત્વપૂર્ણ સરસાઈ મેળવી લીધી છે.
મેચની શરૂૂઆતથી જ ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનો પર દબાણ બનાવી રાખ્યું હતું. ધર્મશાલાની પિચ પર ભારતીય આક્રમણ સામે આફ્રિકન બેટિંગ લાઈન-અપ પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, સ્પિન જાદુગર વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવે શાનદાર લાઈન-લેન્થ સાથે બોલિંગ કરતા બબ્બે વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેને પણ એક-એક સફળતા મળી હતી. આ સંયુક્ત પ્રયાસોને કારણે આફ્રિકા મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યું હતું અને માત્ર 117 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
જીતવા માટે મળેલા 118 રનના આસાન લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને યુવા ઓપનર અભિષેક શર્માએ તોફાની શરૂૂઆત અપાવી હતી. અભિષેક શર્માએ આક્રમક મૂડમાં બેટિંગ કરતા માત્ર 18 બોલમાં 35 રન ફટકાર્યા હતા, જેમાં 3 ગગનચુંબી છગ્ગા અને 3 ચોગ્ગા સામેલ હતા. જોકે, મોટો શોટ રમવાના પ્રયાસમાં તે એડન માર્કરામના હાથે કેચ આઉટ થયો હતો. અભિષેક શર્માના આઉટ થયા બાદ ભારતીય ઇનિંગની ગતિમાં અચાનક બ્રેક લાગી ગઈ હતી.
જ્યાં શરૂૂઆતની 5 ઓવરમાં ટીમ 12 ની રનરેટથી રમી રહી હતી, ત્યાં વિકેટ પડ્યા બાદ બેટ્સમેનોએ ગોકળ ગાયની ગતિએ રન બનાવ્યા હતા. આંકડા મુજબ, સ્કોર 60 થી 100 સુધી પહોંચાડવા માટે ભારતીય બેટ્સમેનોએ 53 બોલનો સમય લીધો હતો, જે ટી20 ફોર્મેટના હિસાબે ઘણો ધીમો ગણી શકાય. મધ્યમ ઓવરોમાં રનની ગતિ ધીમી પડવી એ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બની શકે છે.
ભલે ભારત મેચ જીતી ગયું હોય, પરંતુ ટોચના બેટ્સમેનોના ફોર્મ અંગે પ્રશ્નો યથાવત છે. વાઇસ કેપ્ટન શુભમન ગિલે 28 રન બનાવ્યા ખરા, પરંતુ તે માટે તેણે 28 બોલનો સામનો કર્યો હતો. છેલ્લા 18 દાવથી ગિલ ઝ20 માં એકપણ અડધી સદી ફટકારી શક્યો નથી, જે તેના ફોર્મ પર સવાલ ઉભા કરે છે. બીજી તરફ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ ફરી એકવાર સેટ થયા બાદ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 12 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો.
T-20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટ લેનાર હાર્દિક પંડયા પ્રથમ ભારતીય
ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વધુ એક રેકોર્ડ પોતાને નામે કર્યો છે. સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી ટી20શ સીરિઝની ત્રીજી મેચમાં ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં તેણે એવી કમાલ કરી, જે આ પહેલા દુનિયાનો કોઈપણ ખેલાડી કરી શક્યો નથી હાર્દિક પંડ્યાએ આ મેચમાં ટ્રિસ્ટન સ્ટબ્સની વિકેટ ઝડપીને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાના નામે 100 વિકેટ પૂરી કરી હતી. તે ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 વિકેટ લેનાર ભારતનો પહેલો ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર બની ગયો છે, જેણે ટી20શમાં 1000થી વધુ રન બનાવ્યાં અને 100 વિકેટ પણ લીધી છે. આ પહેલા શાકિબ અલ હસન, મોહમ્મદ નબી અને સિકંદર રઝા આ કામ કરી ચૂક્યા છે, પરંતુ તેમાંથી કોઈપણ ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર નથી. આ ઉપરાંત હાર્દિક ભારતનો પહેલો ઓલરાઉન્ડર છે, જેણે ટી20શમાં 100 વિકેટ લીધી છે. જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ બાદ તે ત્રીજો ભારતીય બોલર છે, જે આ ક્લબમાં સામેલ થયો છે. આ પહેલા પંડ્યાએ ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 100 છગ્ગાની સદી પણ પૂરી કરી હતી અને હવે 100 વિકેટ સાથે તે ભારતનો પહેલો ખેલાડી બની ગયો છે. જેણે 100 વિકેટ સાથે 100 છગ્ગા ફટકાર્યા છે.
