એશિયા કપમાં બાંગ્લાદેશને હરાવી ભારત 10મી વખત ફાઇનલમાં

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા એશિયા કપની પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 40 રનથી હરાવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. ટીમ ઇન્ડિયાએ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચ…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મહિલા એશિયા કપની પ્રથમ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 40 રનથી હરાવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. ટીમ ઇન્ડિયાએ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચ 40 રનથી જીતી. આ એકતરફી જીત સાથે, ભારતીય ટીમે ટુર્નામેન્ટના ઇતિહાસમાં સતત 10મી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે, ભારતે ટુર્નામેન્ટના દરેક આવૃત્તિમાં ફાઇનલમાં પહોંચવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ભારતે ઓપનર શેફાલી વર્માની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 149 રન બનાવ્યા. જ્યારે અન્ય ભારતીય બેટ્સમેન મુશ્કેલ અને ધીમી પિચ પર રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે શેફાલી વર્માએ બાંગ્લાદેશી બોલિંગનો સામનો કર્યો. તેણીએ માત્ર 40 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સહિત 64 રન બનાવ્યા.

ટોચના ચાર ભારતીય બેટ્સમેનોમાં, અન્ય ત્રણનો સ્ટ્રાઇક રેટ 100 થી નીચે હતો, જ્યારે શેફાલીએ 160 ના સ્ટ્રાઇક રેટ સાથે બોલરો પર દબાણ બનાવ્યું. વધુમાં, પ્રતિકા રાવલે 20 રનનું યોગદાન આપ્યું, અને વિકેટકીપર રિચા ઘોષે 16 બોલમાં 21 રન બનાવ્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ 28 બોલમાં અણનમ 24 રન બનાવ્યા. આ દરમિયાન બાંગ્લાદેશ તરફથી સુલતાના ખાતુને બે વિકેટ લીધી, જ્યારે રાબિયા ખાન, નાહિદા અખ્તર અને મારુફા અખ્તરે એક-એક વિકેટ લીધી.

150 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂૂઆત ખૂબ જ ખરાબ રહી. ટીમે પાવરપ્લેમાં માત્ર 26 રન બનાવ્યા અને 1 વિકેટ ગુમાવી. ત્યારબાદ બાંગ્લાદેશની ટીમ મેચમાં વાપસી કરી શકી નહીં અને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 109 રન જ બનાવી શકી. ભારત તરફથી દીપ્તિ શર્મા સૌથી સફળ બોલર રહી. તેણે 4 ઓવરમાં 26 રન આપીને 3 વિકેટ ઝડપી. જ્યારે નંદની શર્માએ 2 વિકેટ ઝડપી હતી. શ્રી ચરણી અને પ્રેમા રાવતને 1-1 સફળતા મળી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *