જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને પગલે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવીને રાજદ્વારી પગલાં લેવાની શરૂૂઆત કરી છે. પહેલગામ હુમલાના બીજા દિવસે સુરક્ષા અંગેની કેબિનેટ બેઠક (ઈઈજ) માં પાંચ નિર્ણયો લેવામાં આવ્યા છે કે જેના કારણે ભારત અને પાકિસ્તાનના સંબંધો વધુ મર્યાદિત થશે. પાકિસ્તાનના પીહુ આતંકવાદીઓએ 2008માં કરેલા હુમલાને પગલે બંને દેશો વચ્ચેના સંબંધોમાં કાપ મૂકી દેવાયેલો ને હવે મોદી સરકારે વધારે કાપ મૂક્યો છે.
અઢી કલાક ચાલેલી બેઠકના અંતે લેવાયેલા પાંચ નિર્ણયોમાં સૌથી મહત્વનો નિર્ણય સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો છે. ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે 65 વર્ષ જૂની સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી દીધી છે અને અટારી ચેકપોસ્ટ બંધ કરી દેવાનો નિર્ણય પણ લેવાયો છે. આ ઉપરાંત ભારતે પાકિસ્તાનીઓ માટે વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત ખાતેના પાકિસ્તાની દૂતાવાસનો સ્ટાફ ઘટાડવાનો નિર્ણય પણ લીધો છે. પાંચમો નિર્ણય પાકિસ્તાનને ભારત ખાતેના દૂતાવાસમાંથી લશ્કરી સલાહકારોને હટાવી લેવાનો છે ને સામે ભારત પણ પાકિસ્તાનમાં તેના દૂતાવાસમાંથી સંરક્ષણ સલાહકારોને પાછા બોલાવી લેશે. મીડિયાના એક વર્ગે જેને ડિપ્લોમેટિક સ્ટ્રાઈક ગણાવી એવા આ નિર્ણયોમાંથી સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય મહત્ત્વનો છે પણ ભારત ખરેખર વાસ્તવિક રીતે તેનો અમલ કરી શકે છે કે નહીં એ વધારે મહત્ત્વનું છે.
સિંધુ જળ સંધિ હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે 6 નદીઓના પાણી વહેંચવા માટે એક કરાર થયો હતો. રાવી, બિયાસ, સતલજ, સિંધુ, ઝેલમ અને ચિનાબ એ છ નદીઓનાં પાણીની વહેંચણીના કરારને સિંધુ જળ સંધિ કહેવામાં આવે છે. આ કરાર હેઠળ, ભારતને ત્રણ પૂર્વીય નદીઓ રાવી, બિયાસ અને સતલજનું પાણી વાપરવા પર અધિકાર મળ્યો જ્યારે પાકિસ્તાનને ત્રણ પશ્ચિમી નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી વાપરવાનો અધિકાર મળ્યો.
ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ બેંકની મધ્યસ્થીથી આ સંધિ થઈ હતી. ભારત વતી વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ અને પાકિસ્તાન વતી પ્રમુખ અચ્યુબ ખાને વર્લ્ડ બેંકના ઉપપ્રમુખ વિલિયમ ઇલિની હાજરીમાં સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિમાં વર્લ્ડ બેંકની મધ્યસ્થી હતી તેથી કોઈ પણ વિવાદ થાય એટલે વર્લ્ડ બેંક એ ઉકેલવા માટે મેદાનમાં આવે છે. સિંધુ જળ સંધિનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે પાણી અંગે સંઘર્ષ રોકવાનો હતો. જળ જીવન છે ને જળ ના મળે તો લોકો પહેલાં તરસ્યાં મરે ને પછી પાણી વિના પાક ના થાય એટલે ભૂખે મરે.
