ભારતે પાક.ને આપ્યો 500 મિલિયન ડોલરનો ઝટકો: ભારતના વેપારી મંડળે વેપાર બંધ કર્યો

    પહલગામમાં આતંકી હુમલો થયા બાદ આતંકીઓને છાવરતું પાકિસ્તાન એક પછી એક મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. હુમલા બાદ ભારત સરકારે દેશમાંથી પાકિસ્તાનીઓને ખદેડવાની, સિંધુ…

 

 

પહલગામમાં આતંકી હુમલો થયા બાદ આતંકીઓને છાવરતું પાકિસ્તાન એક પછી એક મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. હુમલા બાદ ભારત સરકારે દેશમાંથી પાકિસ્તાનીઓને ખદેડવાની, સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવા સહિતની કાર્યવાહી કરી છે, તો બીજીતરફ ભારતના વેપાર જગતે પણ દુશ્મન દેશની અર્થવ્યવસ્થા પર આકરો હુમલો કર્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે પાકિસ્તાન સાથે તમામ પ્રકારના વેપાર વ્યવહાર બંધ કરી દીધા છે.

વાસ્તવમાં CAITઆગેવાની હેઠળ ભુવનેશ્વરમાં રાષ્ટ્રીય ગવર્નિંગ કાઉન્સિલ બેઠક યોજાઈ હતી, જેમાં પાકિસ્તાન સાથે તમામ પ્રકારનો આયાત-નિકાસ સહિતનો વેપાર બંધ કરવાનો સર્વસંમતીથી નિર્ણય લેવાયો છે. દેશના 26 રાજ્યોના 200થી વધુ પ્રમુખ વેપારી નેતાઓએ બેઠકમાં ભાગ લીધો હતો. CAITના મહાસચિવ અને ચાંદની ચોકના સાંસદ પ્રવીણ ખંડેલવાલે કહ્યું કે, બેઠકમાં પહલગામ હુમલાની કડક નિંદા કરવામાં આવી છે.
સાથે જ પાકિસ્તાન સાથેના તમામ વેપારી સંબંધોનો સંપૂર્ણ બહિષ્કાર કરવાનું આહવાન કરી એક સર્વસંમતી પ્રસ્તાવ પસાર કરાયો છે. પ્રસ્તાવમાં હુમલામાં સામેલ આતંકવાદીઓને કડકમાં કડક સજા આપવાની કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં પુલવામામાં આતંકવાદી હુમલો થયા બાદ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો ગંભીર રીતે બગડી જતા દ્વિપક્ષીય વેપારમાં ભારે ઘટાડો થયો છે. CAITના ડેટા મુજબ 2018માં બંને દેશો વચ્ચે ત્રણ બિલિયન અમેરિકી ડોલરનો દ્વિપક્ષીય વેપાર થતો હતો, જે 2024 સુધીમાં ઘટીને લગભગ 1.2 બિલિયન અમેરિકી ડોલર પર પહોંચી ગયો.

જ્યારે એપ્રિલ 2024થી જાન્યુઆરી 2025 વચ્ચે ભારતે પાકિસ્તાનને લગભગ 500 મિલિયન અમેરિકી ડોલરની કિંમતના સામાનની નિકાસ કરી હતી, જેમાં મુખ્યરુપે દવાઓ, રસાયણો, ખાંડ અને ઑટો પાર્ટ્સ સામેલ હતા. જ્યારે પાકિસ્તાન દ્વારા 0.42 મિલિયન અમેરિકી ડોલરની આયાત થઈ હતી. સીએઆઈટીના નિવેદન અનુસાર, હવે વેપારીઓએ આ વેપારને સંપૂર્ણ બંધ કરવાનો સંકલ્પ લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *