ભારતે પાકિસ્તાનને 64 રને કચડ્યું, T20 વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભ

સ્મૃતિ મંધાનાની 44 બોલમાં 68 રનની વિસ્ફોટક ઇનિંગ, 4 ઓવરમાં 5 વિકેટ ઝડપી દિપ્તી શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 350 વિકેટ પૂર્ણ કરી 2026 ના ICC મહિલા…

સ્મૃતિ મંધાનાની 44 બોલમાં 68 રનની વિસ્ફોટક ઇનિંગ, 4 ઓવરમાં 5 વિકેટ ઝડપી દિપ્તી શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 350 વિકેટ પૂર્ણ કરી

2026 ના ICC મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે ધમાકેદાર શરૂૂઆત કરતા પોતાની પહેલી જ મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 64 રનથી કચડી નાખ્યું છે. આ શાનદાર જીત સાથે જ ભારતે ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાન સામે પોતાનો 7 મો વિજય નોંધાવ્યો છે. કેપ્ટન હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 170 રનનો મોટો સ્કોર ઊભો કર્યો હતો. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 17 ઓવરમાં માત્ર 106 રનમાં જ સમેટાઈ ગઈ હતી. સ્મૃતિ મંધાનાએ બેટિંગમાં અને દીપ્તિ શર્માએ બોલિંગમાં કમાલ કરીને ભારતને આ ઐતિહાસિક જીત અપાવી હતી.

ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે એકદમ સાચો સાબિત થયો. ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 170 રન બનાવ્યા હતા. ઓપનર સ્મૃતિ મંધાનાએ તોફાની બેટિંગ કરતા 44 બોલમાં 68 રન ફટકાર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 35 બોલમાં 36 રનનું યોગદાન આપ્યું હતું. અંતિમ ઓવરોમાં રિચા ઘોષે માત્ર 17 બોલમાં 34 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને ટીમને એક મજબૂત સ્કોર સુધી પહોંચાડી હતી.

171 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે શરૂૂઆત તો ખૂબ સારી કરી હતી. પહેલી 6 ઓવરના પાવરપ્લેમાં પાકિસ્તાને કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 52 રન બનાવી લીધા હતા. ટી-20 ઇન્ટરનેશનલમાં ભારત સામે પાવરપ્લેમાં પાકિસ્તાનનો આ સૌથી મોટો સ્કોર હતો. પરંતુ 7 મી ઓવરથી ભારતીય બોલરોએ કમબેક કર્યું અને નિયમિત અંતરે વિકેટો પાડીને પાકિસ્તાનની કમર તોડી નાખી. ઓપનર મુનીબા અલીએ સૌથી વધુ 41 રન બનાવ્યા, પરંતુ તેના સિવાય આલિયા રિયાઝ (18), ગુલ ફિરોઝા (12) અને આયેશા ઝફર (12) જ ડબલ આંકડા સુધી પહોંચી શક્યા. પાકિસ્તાનની આખી ટીમ પૂરી 20 ઓવર પણ ન રમી શકી અને 17 ઓવરમાં 106 રને ઓલઆઉટ થઈ ગઈ.

ભારતની આ જીતની અસલી હીરો દીપ્તિ શર્મા રહી. તેણે 4 ઓવરમાં માત્ર 10 રન આપીને 5 વિકેટ ઝડપી અને પાકિસ્તાનના બેટિંગ ઓર્ડરને વેરવિખેર કરી નાખ્યો. આ શાનદાર પ્રદર્શન માટે તેને ’પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવી. આ સાથે જ દીપ્તિએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 350 વિકેટ પણ પૂરી કરી લીધી છે અને આવું કારનામું કરનારી તે વિશ્વની માત્ર બીજી મહિલા બોલર બની ગઈ છે.

દીપ્તિ ઉપરાંત અન્ય બોલરોએ પણ શાનદાર સાથ આપ્યો હતો. શ્રીચરણીએ 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે શેફાલી વર્માએ 3 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ લીધી હતી. પાકિસ્તાનની એક ખેલાડી રનઆઉટ થઈ હતી.

 

‘નો હેન્ડશેક’નો સિલસિલો યથાવત
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ 2026 માં પોતાનો પહેલો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમ્યો. બર્મિંગહામના ઐતિહાસિક એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેચની શરૂૂઆતમાં ફરી એકવાર હાથ ન મિલાવવાનો વિવાદ જોવા મળ્યો. ભારતીય મહિલા ટીમે પાકિસ્તાન સામે હાથ ન મિલાવવાની નીતિ જાળવી રાખી. ટોસ દરમિયાન, ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવવાનો ઈનકાર કર્યો, જેનાથી સ્પષ્ટ થયું કે બંને ટીમો વચ્ચેનો આ તણાવ મેચ પછી પણ ચાલુ રહેશે. જોકે, ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન હાથ ન મિલાવવાની આ પ્રથા નવી નથી. ગયા વર્ષે મેન્સ એશિયા કપ દરમિયાન તેની શરૂૂઆત થઈ હતી, જ્યારે સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઈનકાર કર્યો હતો. ત્યારથી, ભારતીય પુરુષ અને મહિલા બંને ક્રિકેટ ટીમો આ નીતિનું કડક પાલન કરે છે. મહિલા વર્લ્ડ કપ પહેલા ભારતીય ખેલાડીઓએ અંડર-19 વર્લ્ડ કપ, રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપ અને મેન્સ ઝ20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે આ જ નીતિ અપનાવી હતી, અને હવે તે મહિલા વર્લ્ડ કપમાં પણ ચાલુ રાખવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *