અમેરિકા-ઇરાન શાંતિ કરારથી ભારતને હાશકારો

અંતે અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ કરાર કરવા સહમત થઈ ગયાં છે. અત્યાર લગી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની શરતો નક્કી…

અંતે અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ કરાર કરવા સહમત થઈ ગયાં છે. અત્યાર લગી અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની શરતો નક્કી થઈ ગઈ હોવાની વાતો બહુ બધી વાર મીડિયામાં આવી પણ અમેરિકા અને ઈરાન બંને એક સાથે ફોડ પાડીને વાત નહોતાં કરતાં. આ વખતે અમેરિકા અને ઈરાન બંનેએ જાહેરાત કરી છે કે, શાંતિ કરારની શરતો નક્કી થઈ ગઈ છે ને શુક્રવારે કરાર પર સહીસિક્કા પણ થઈ જશે.

આખી દુનિયા માટે આ બહુ મોટા સમાચાર છે કેમ કે ટ્રમ્પે એલાન કરી દીધું છે કે, આ કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવામાં આવશે અને ઈરાને આ વાતનો વિરોધ કર્યો નથી. ટ્રમ્પે ઈરાનનાં બંદરો ફરતે અમેરિકી નૌકાદળનાં જહાજોએ કરેલી નાકાબંધી હટાવવાની મંજૂરી પણ આપી દીધી છે. તેના કારણે હવે મિડલ ઈસ્ટમાંથી ક્રૂડ ઓઈલનો જથ્થો નિર્વિઘ્ને આખી દુનિયામાં પહોંચી શકશે.

અમેરિકા-ઈરાન યુધ્ધ સમાપ્ત થશે એટલે આ બધું બંધ થઈ જશે ને ધંધા-ધાપા પાછા પહેલાંની જેમ ચાલુ થઈ જશે. આપણે ત્યાં તો યુદ્ધના કારણે પેટ્રોલ-ડીઝલ ને રાંધણ ગેસમાં ભાવવધારો આવ્યો તેમાં લોકો વગર લેવેદેવે લાંબા થઈ ગયેલા. વધેલા ભાવ પાછા ઘટે તો આપણાં નસીબ પણ ભાવ ના ઘટે તો પણ વધવાનો સિલસિલો અટકે તોય ઘણું છે. કમ સે કમ નવો બોજ તો આપણા પર નહીં આવે?

મુખ્ય વાત તો મિડલ ઈસ્ટમાં ફરી સ્થપાનારી શાંતિ છે. અમેરિકા અને ઈરાનના બે મહિનાથી ચાલતા યુદ્ધના કારણે આખી દુનિયામાં બધું સખળડખળ થઈ ગયું છે. શાંતિ કરારના કારણે મિડલ ઈસ્ટમાં શાંતિ થશે તો જિંદગી પાછી પૂર્વવત થવાની શરૂૂઆત થશે.

શાંતિ કરારના કારણે ઈરાનના ક્રૂડના વેચાણને મંજૂરી મળશે તો ભારત સહિતના દેશોને સાવ નજીકથી સસ્તામાં ક્રૂડ ઓઈલ મળતું પણ થશે. તેના કારણે પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસના ભાવો કાબૂમાં રહેશે ને ઉદ્યોગોને અવિરત પુરવઠો મળતો રહેશે તેથી અર્થતંત્ર પણ તેજીમાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *