વર્ષો સુધી ભારતે લાભ લીધો, હવે અમે કમાઇએ છીએ : ટ્રમ્પ

ટૂંક સમયમાં ટ્રેલ ડીલની તૈયારી, 12.5% ટેરિફ ઝીંક્યા બાદ મોદીના વખાણ કરતા અમેરિકન રાષ્ટ્રપતિ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે…

ટૂંક સમયમાં ટ્રેલ ડીલની તૈયારી, 12.5% ટેરિફ ઝીંક્યા બાદ મોદીના વખાણ કરતા અમેરિકન રાષ્ટ્રપતિ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ તેમના સારા મિત્ર છે અને અમેરિકા તેમની સાથે સારો સંબંધ ધરાવે છે. ઓવલ ઓફિસમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે વેપારમાં અસંતુલનની સ્થિતિ હવે બદલાઈ ગઈ છે અને અમેરિકા ભારત સાથે ઘણા પૈસા કમાઈ રહ્યું છે. તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશો વચ્ચે ટ્રેડ ડીલ થઈ જશે.

ટ્રમ્પે કહ્યું, મને તમારા વડાપ્રધાન ખૂબ ગમે છે. તેઓ મારા સારા મિત્ર છે, અમે સારી રીતે સમજીએ છીએ અને અમારી વચ્ચે સારો સંબંધ છે. તેમણે વધુમાં જણાવ્યું, વર્ષો સુધી ભારતે અમેરિકાનો લાભ લીધો. તેઓ અમારા પર ભારે ટેરિફ લગાવતા હતા અને કંઈ જ આપતા નહોતા. હવે સ્થિતિ સંપૂર્ણપણે વિરુદ્ધ છે અને અમે ભારત સાથે ઘણા પૈસા કમાઈ રહ્યા છીએ. પરંતુ અમે ડીલ પર પહોંચી જઈશું.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે વેપાર વાટાઘાટો તેજ થઈ છે. 1થી 4 જૂન સુધી નવી દિલ્હીમાં ચાર દિવસની વાટાઘાટો યોજાઈ, જેમાં અમેરિકાના યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR)ના અધિકારીઓ અને ભારતીય અધિકારીઓ વચ્ચે વસ્તુઓના વેપાર, કસ્ટમ્સ પ્રક્રિયા, ટ્રેડ ફેસિલિટેશન, નોન-ટેરિફ બેરિયર્સ અને આર્થિક સુરક્ષા સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. બંને પક્ષોએ આ વાટાઘાટોને રચનાત્મક ગણાવી અને પરસ્પર લાભદાયી અંતરિમ વેપાર કરાર તરફ પ્રયાસો ચાલુ હોવાનું જણાવ્યું છે. વ્યાપક બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ (BTA) પર પણ સમાંતર વાટાઘાટો ચાલુ છે.

તાજેતરના અઠવાડિયામાં ડીલ તરફની ગતિ વધી છે. અમેરિકાના ભારતીય રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું કે વાટાઘાટો અંતિમ તબક્કામાં છે અને માત્ર થોડા મુદ્દાઓ જ બાકી છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે પણ સૂચવ્યું છે કે મોટા ભાગના મુદ્દાઓ ઉકેલાઈ ગયા છે અને અંતિમ વિગતો પર કામ ચાલી રહ્યું છે.

જો કે, વાટાઘાટો દરમિયાન કેટલીક ચિંતાઓ પણ છે. ટ્રમ્પ વહીવટીતંત્ર 60 અર્થતંત્રો પર વધારાના 12.5% ટેરિફ લગાવવાની શક્યતા છે, જેમાં ભારતનો સમાવેશ થાય છે. USTRના અલગ પ્રસ્તાવમાં ફોર્સ્ડ લેબર સાથે જોડાયેલા આયાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સમીક્ષા અંતર્ગત જે દેશોમાં આવા આયાત પર પ્રતિબંધ નથી તેમને 12.5% સુધીના ડ્યુટીનો સામનો કરવો પડી શકે છે. ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, યુકે, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા દેશો આ સમીક્ષા હેઠળ છે.

ટેરિફ અનિશ્ચિતતા હોવા છતાં નવી દિલ્હી અને વોશિંગ્ટન બંનેએ અંતરિમ વેપાર કરાર ટૂંક સમયમાં અંતિમ રૂૂપ આપવાની આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ કરારથી બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો વધુ મજબૂત થશે અને દ્વિપક્ષીય વેપારમાં વધારો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *