વોર્ડ નં.6માં ‘કોંગ્રેસ આપને દ્વાર’ લોકોની સમસ્યા સાંભળી

કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના વધુ એક વોર્ડમાં (વોર્ડ નં 6 ) જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ…

કોંગ્રેસ આપને દ્વાર જનતાની વેદના અભિયાન અંતર્ગત રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના વધુ એક વોર્ડમાં (વોર્ડ નં 6 ) જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન શહેર કોંગ્રેસના આગેવાનો લોકો વચ્ચે જઈને નાગરિકો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદીપસિંહ જાડેજા સહિત શહેર કોંગ્રેસની ટીમ સતત જનતા વચ્ચે રહીને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયત્નશીલ રહી છે. આ જનસંપર્ક દરમિયાન સ્થાનિક નાગરિકોએ પોતાના રોજિંદા જીવન સાથે જોડાયેલા અનેક પ્રશ્નો કોંગ્રેસ સમક્ષ રજૂ કર્યા હતા.

આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ હંમેશા પ્રજા વચ્ચે રહીને તેમની વેદના સમજવાનો પ્રયત્ન કરે છે. આજે રાજકોટ શહેરમાં લોકો સાથે થયેલી મુલાકાત દરમિયાન સ્પષ્ટ થયું છે કે સામાન્ય નાગરિકો અનેક પ્રશ્નો વચ્ચે જીવન જીવવા મજબૂર છે. રાજકોટ મહાનગરપાલિકાના તંત્ર અને ભાજપના સત્તાધીશો આજ સુધી પ્રજાના પ્રાથમિક પ્રશ્નો પ્રત્યે ગંભીરતા દાખવી શક્યા નથી. વિકાસના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં લોકો હજુ પણ નાનામોટા કામો માટે હેરાનપરેશાન થઈ રહ્યા છે. ભાજપના શાસનમાં વિકાસના નામે જે વાતો કરવામાં આવે છે તે મોટાભાગે કાગળ પર જ દેખાય છે, પરંતુ જ્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જઈને લોકો સાથે વાત કરીએ ત્યારે જમીન પરની હકીકત સંપૂર્ણપણે અલગ જોવા મળે છે. લોકો પોતાની સમસ્યાઓ માટે વારંવાર તંત્રના દરવાજા ખખડાવે છે છતાં યોગ્ય નિરાકરણ મળતું નથી.

ભ્રષ્ટાચાર અને કુશાસનના કારણે પ્રજાલક્ષી કામગીરી પાછળ ધકેલાઈ ગઈ છે. કોંગ્રેસનો સંકલ્પ છે કે સામાન્ય નાગરિકના પ્રશ્નોને અવાજ આપી તેના ઉકેલ માટે સતત લડત ચાલુ રાખવામાં આવશે. જનસંપર્ક કાર્યક્રમ દરમિયાન શહેર કોંગ્રેસના શૈલેષ સાકરીયા જગદીશભાઈ મોરી,કમલેશભાઈ મકવાણા,જેઠાભાઈ જાદવ વિરમભાઇ રબારીઉકાભાઇ રબારી,યુનુશભાઈ ભટ્ટી મનજીભાઈ પરમાર,કાંતિભાઈ મકવાણા, મીનાબેન જાદવ દક્ષાબેન મકવાણા, દક્ષાબેન રાજગોર તેમજ આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નાગરિકોએ પણ પોતાની સમસ્યાઓ ખુલ્લેઆમ રજૂ કરીને સારો પ્રતિસાદ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *