ટંકારા તાલુકાના સજનપર (ધુ) ગામે ઈનોવા કારના પૈસાની ઉઘરાણી મામલે ધમકી અને મારામારીની ઘટના સામે આવી છે. થાનગઢથી મામાના ઘરે આવેલા ભાણેજ સાથે ચાર શખ્સોએ બોલાચાલી કરી મારામારી કરી હતી. એટલું જ નહીં, મામાને પણ વારંવાર ધમકીઓ આપવામાં આવતી હોવાના આક્ષેપ વચ્ચે કંટાળીને મામાએ દવા પી લેતા સમગ્ર મામલો ચકચાર મચી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેતા ધવલભાઈ પ્રવિણભાઈ સવાડીયા પોતાના મામા દેવજીભાઈ અંદોદરીયાના ટંકારા તાલુકાના સજનપર ગામે આવેલા ઘરે હતા. તે દરમિયાન થાનગઢના દિલીપભાઈ ગીડા, પૃથુભાઈ ગીડા અને અન્ય બે અજાણ્યા શખ્સો ત્યાં આવી ઈનોવા કારના પૈસાની ઉઘરાણી કરી હતી.
ધવલભાઈએ કાર લીધી ન હોવાનું જણાવતા આરોપીઓએ ગાળાગાળી કરી કોલર પકડી લાફા માર્યા હતા. વચ્ચે પડેલા નાની સવીતાબેનને ધક્કો મારી કાપી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમયે બૂમાબૂમ થતાં ગામના લોકો દોડી આવતા મામલો થાળે પડ્યો હતો. ત્યારબાદ મામા દેવજીભાઈ ઘરે પરત ફરતા આરોપીઓએ ઈનોવા કારના રૂૂ. 17 લાખ લેવાના હોવાનું જણાવી રૂૂ. 15 લાખ આપવાની અથવા ભાણેજને સાથે મોકલવાની માંગ કરી હતી.
મામાએ અસમર્થતા દર્શાવતા હપ્તામાં નાણાં આપવાની વાત કરી વીડિયો બનાવી કાર લઈ જવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ઘટનાથી ભયભીત થઈ ધવલભાઈ પરિવાર સાથે અન્યત્ર જતા રહ્યા હતા. ત્યારબાદ દેવજીભાઈને ફોન પર અપશબ્દો બોલી ધમકીઓ આપવામાં આવતા કંટાળીને તેમણે સજનપર ગામે હાર્દિકભાઈ પટેલની વાડીમાં દવા પી લીધી હતી. હાલ તેમની સારવાર ચાલી રહી છે. સમગ્ર મામલે ધવલભાઈની ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
