પોતાના કથિત ચમત્કારોને લઈને હંમેશાં ચર્ચામાં રહેતા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના રાજકોટ દરબારને લઈને અત્યારથી જ સોશિયલ મીડિયા પર જોરદાર ગરમાવો આવી ગયો છે. બાબા બાગેશ્વરના કાર્યક્રમ પહેલાં જ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા લોકો અને જાદુગરો મેદાનમાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી વિગતો અનુસાર, ધીરેન્દ્ર શાસ્ત્રીને હવે માત્ર સ્થાનિક સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરેથી પણ ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે.
ચર્ચા મુજબ, એક એનઆરઆઇએ સોશિયલ મીડિયાના માધ્યમથી બાબા બાગેશ્વરને અનોખો પડકાર ફેંક્યો છે. આ વિદેશી વ્યક્તિએ જાહેરાત કરી છે કે જો બાબા પોતાના દૈવી ચમત્કારથી લાલચોળ ગરમ સળિયો હાથમાં પકડી બતાવે, તો તે તેમને 101 ડોલરનું ઇનામ આપશે. આ આંતરરાષ્ટ્રીય ચેલેન્જ બાદ સોશિયલ મીડિયા પર વાદ-વિવાદની ફેન્સ વચ્ચે ભારે હોબાળો મચી ગયો છે.
બીજી તરફ, અમદાવાદના જાણીતા જાદુગર પિયુષ તરફથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને એક અલગ જ પ્રકારની ચેલેન્જ આપવામાં આવી છે. જાદુગર પિયુષે તાર્કિક અને વૈજ્ઞાનિક રીતે બાબાના દૈવી દાવાઓને પડકાર્યા છે. મીડિયાની હાજરીમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સાબિત કરો અને ઇનામ જીતો તેમ અમદાવાદ રેશનાલિસ્ટ એસોસિએશન દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટરમાં જણાવાયું છે. એસોસિએશન દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટરો જાહેર કરીને ચેલેન્જ આપવામાં આવી છે કે જો બાબા કોઈ પણ અંધશ્રદ્ધા વિના સાચો ચમત્કાર સાબિત કરી બતાવે, તો તેઓ એસોસિએશન તરફથી રાખવામાં આવેલું કરોડો રૂૂપિયાનું મોટું ઇનામ જીતી શકે છે.
