મનોરંજનની દુનિયામાં વિવાદ અને સુરખીઓ એક જ સિક્કાની બે બાજુઓ છે. ક્યારેક ફિલ્મનો કોઈ સીન ચર્ચામાં રહે છે, તો ક્યારેક ગીતના બોલ. આજકાલ બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી અને દિગ્ગજ અભિનેતા સંજય દત્ત તેમના લેટેસ્ટ ગીતને લઈને સમાચારોમાં છે. પરંતુ આ સમાચાર તેમની કેમેસ્ટ્રી માટે નહીં, પણ ગીતના ‘વિવાદાસ્પદ’ શબ્દોને કારણે છે. આ ગીત રકીબ આલમે લખ્યું છે.
સોશિયલ મીડિયા પર લોકો આ ગીતના લિરિક્સને ‘અશ્ર્લીલ’ અને ‘ઘટિયા’ ગણાવીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ આ સમગ્ર વિવાદનું સૌથી રસપ્રદ પાસું એ છે કે જે ગીતકારે આ શબ્દો લખ્યા છે, તેમણે જ ભારતીય સિનેમાની સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક ‘પુષ્પા 2’ માટે સુપરહિટ ગીતો લખ્યા છે.
તાજેતરમાં કન્નડ ફિલ્મ ’કેડી: ધ ડેવિલ’નું એક ગીત હિન્દીમાં રિલીઝ થયું, જેના બોલ છે ’સરકે ચુનર તેરી સરકે’. આ ગીતમાં નોરા ફતેહી પોતાની કાતિલ અદાઓ બતાવી રહી છે અને તેની સાથે સંજય દત્તનો સ્વેગ પણ જોવા મળી રહ્યો છે.
નેટીઝન્સનું કહેવું છે કે ગીતના શબ્દો મર્યાદાની બહાર છે અને તેને ‘સસ્તા’ રીતે લખવામાં આવ્યા છે. ઘણા યુઝર્સે તો ત્યાં સુધી કહી દીધું કે આજકાલના ગીતોમાં સર્જનાત્મકતાને બદલે માત્ર સનસનાટી ફેલાવતા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટ્વિટર (એકસ) અને ઇન્સ્ટાગ્રામ પર લોકો આ ગીતને લઈને ફિલ્મના મેકર્સ અને લિરિસિસ્ટને ટ્રોલ કરી રહ્યા છે.
