હોલિવૂડ એક્ટરોને યાદ કરાયા પણ ‘હિ મેન’ને ભૂલી ગયા
ઓસ્કર 2026માં આ વર્ષે ભારતીય ફેન્સ ઘણા નિરાશ થયા છે. વિશ્વના પ્રખ્યાત દિગ્ગજ અભિનેતાઓ કે જેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા તેમને ઓસ્કરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પરંતુ બોલિવૂડના હિ મેન એટલે કે ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવામાં નથી આવી, જેના કારણે ભારતીય દર્શકો હેરાન થઈ ગયા છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ યુઝર્સ આ મુદ્દે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.
આ પહેલા ઓસ્કરના મંચ પર નિતિન ચંદ્રકાંત દેસાઈ, ઈરફાન ખાન, ભાનુ અથૈયા, શ્રીદેવી અને શશિ કપૂર જેવા સ્ટાર્સને યાદ કરવામાં આવ્યા હતા. આવા સમયે ફેન્સને એવી આશા હતી કે શોલે, ચુપકે ચુપકે અને ફૂલ ઔર પથ્થર જેવી ક્લાસિક ફિલ્મોને લઈને ધર્મેન્દ્રને ગ્લોબલ સ્ટેજ પર સન્માન આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર પણ આ વાતને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
જોકે ઓસ્કરના મંચ પર ધર્મેન્દ્રને ભલે યાદ કરવામાં નથી આવ્યા પણ હોલિવૂડના ઘણા દિગ્ગજ એક્ટરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. આ લિસ્ટમાં દિગ્ગજ એક્ટર અને ફિલ્મમેકર રોબર્ટ રેડફોર્ડ, એની હોલ ફેમ ડાયને કીટન, શિટ્સ ક્રીક અને એક્ટ્રેસ કૈથરીન ઓ હારા જેવા મોટા નામ શામેલ હતા. આ સિવાય જર્મન એક્ટર ઉડો કીર, વ્હેન હૈરી મેટ સૈલીના ડાયરેક્ટર રોબ રેનર, ધ ગોડફાધરના રોબર્ટ ડુવોલ, ધ ફ્રેન્ચ કનેક્શનના જીન હૈકમેન અને ટોપગન ફેમ વૈલ કિલ્મરને પણ આ સમારોહ દરમિયાન યાદ કરવામાં આવ્યા અને સિનેમા જગતમાં તેમના યોગદાનની પ્રશંસા કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે ભારતીય સિનેમા જગતમાં ધર્મેન્દ્રનું યોગદાન મોટા પાયે રહ્યું છે. તેમણે 60ના દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂૂઆત કરી હતી. જેમાં એક્શન, ડ્રામા, કોમેડી અને લવસ્ટોરી સાથે દરેક ઝોનરમાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું. પરંતુ ઓસ્કરમાં તેમને શ્રદ્ધાંજલિ પણ ન આપવામાં આવી, જેને લઈને લોકોમાં ક્યાંકને ક્યાંક હતાશા જોવા મળી રહી છે.
