સુરેન્દ્રનગરમાં આવેલા કૃષ્ણનગરમાં રહેતા રીક્ષા ચાલકે મહિલા સહિત બે વ્યાજખોરના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. વ્યાજે લીધેલા રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં મહિલા સહિત બંને વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતા હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરમાં આવેલા કૃષ્ણનગરમાં રહેતા પ્રકાશભાઇ મંગાભાઇ વાઘેલા નામનો 40 વર્ષનો યુવાન સવારના સાતેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે સુરેન્દ્રનગર પોલીસને જાણ કરતા સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં પ્રકાશ વાઘેલા એક ભાઇ બે બહેનમાં મોટો છે અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પ્રકાશ વાઘેલા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પ્રકાશ વાઘેલાએ મહિલા સહિત બે વ્યાજખોર પાસેથી રૂપિયા 3.50 લાખ અને રૂપિયા 2.30 લાખ વ્યાજે લીધા હતા. જે રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં મહિલા સહિત બંને વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતી ત્રાસ આપતા હોવાથી કંટાળી જઇ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે સુરેન્દ્રનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
