બોટાદના તુરખા ગામે ખેત મજુરી અર્થે આવેલા મધ્યપ્રદેશના યુવક અને ધંધુકાના દેવળીયા ગામે ખેત મજુરી કરતી મધ્યપ્રદેશની યુવતી વચ્ચે આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ત્રણ દિવસ પૂર્વે જ બન્ને પ્રેમી પંખીડા ઘરેથી ભાગીને નીકળી ગયા હતાં. ગઈકાલે જસદણમાં પ્રેમી યુગલે સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બન્નેને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, બોટાદના તુરખા ગામે રહેતાં મનીષ ઘનસુભાઈ ભુરીયા (ઉ.25) અને ધંધુકાના દેવળીયા ગામે રહેતી રિંકુબેન રાહુલભાઈ વસુમીયા (ઉ.23) ગઈકાલે રાત્રીનાં જસદણમાં વિંછીયા રોડ પર હતાં ત્યારે સજોડે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવક અને યુવતીને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર મનીષ ભુરીયા અને રિંકુબેન વસુમીયા મુળ મધ્યપ્રદેશના વતની છે અને બન્ને મામા-ફઈના ભાઈ બહેન થાય છે. બન્ને પોતાના પરિવાર સાથે મજુરી અર્થે આવ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી બન્ને વચ્ચે પ્રેમ પાંગર્યો છે. ત્રણ દિવસ પૂર્વે જ મનીષ અને રિંકુબેન ઘરેથી ભાગી ગયા હતાં અને ગઈકાલે બન્નેએ સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે જસદણ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
