પુત્રના લગ્નના ઘરેણાની ખરીદી કરવા જવાના હોય તે પૂર્વે બનેલા બનાવથી પરિવારમાં શોક
સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળાના હડાળા ગામે રહેતી 40 વર્ષીય મહીલાએ પોતાના પુત્રના લગ્નના બે મહીના પહેલા કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સીવીલ હોસ્પીટલ રાજકોટ ખાતે ખસેડાયા બાદ તેનું મોત થતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગતો મુજબ સાયલા તાલુકાના હડાળા ગામે રમેશભાઇની વાડીએ રહેતા અને ખેત મજુરી કરતા સંગીતાબેન રમેશભાઇ કોળી ઉ.વ.40 નામની મહીલાએ વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ રાજકોટ ખસેડાઇ હતી જયાં રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસ તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતક સંગીતાબેનના પુત્ર રામજીના વડોદરા ખાતે લગ્ન નક્કી થયા હોય અને આગામી તા.21 ફેબ્રુઆરીએ પુત્રના લગ્ન લેવાના હોય ત્યારે આજે પરિવાર સાથે લગ્ન માટે ઘરેણાની ખરીદી કરવા જવાના હતા. ગઇકાલે રાત્રે પરિવારના સભ્યો સાથે ભોજન લિધા બાદ બધા સુઇ ગયા હતા ત્યારે રાત્રે સંગીતાબેને કોઇ કારણસર ઝેરી દવા પી લીધી હતી. જેનું સારવાર દરમિયાન મોત થતા કોળી પરિવારમાં જયાં લગ્નની ખુશીના માહોલામાં માતમ છવાઇ ગયુ હતું.
