કર્મચારીઓ-પેન્શનરો સંબંધિત હાઇકોર્ટના ચૂકાદાઓનો 45 દિવસમાં અમલ ફરજિયાત

રાજ્યમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતા ચુકાદાઓના અમલીકરણમાં થતા વિલંબને અટકાવવા માટે રાજ્યના નાણાં વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. આ નવા નિયમ મુજબ, કર્મચારીઓ…

રાજ્યમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવતા ચુકાદાઓના અમલીકરણમાં થતા વિલંબને અટકાવવા માટે રાજ્યના નાણાં વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. આ નવા નિયમ મુજબ, કર્મચારીઓ અને પેન્શનરો સંબંધિત કોર્ટ કેસોમાં હાઈકોર્ટના ચુકાદાઓનો અમલ હવે મહત્તમ 45 દિવસમાં કરવાનો રહેશે, જેથી લાંબા સમયથી પ્રતીક્ષા કરતા ન્યાયને ઝડપી બનાવી શકાય.

અવારનવાર જોવા મળતું હતું કે કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો અને ચુકાદાઓના અમલીકરણમાં સરકારી વિભાગો દ્વારા બિનજરૂૂરી વિલંબ કરવામાં આવતો હતો. આ વિલંબને કારણે ’ક્ધટેમ્પ્ટ ઓફ કોર્ટ’ જેવી કાયદાકીય પરિસ્થિતિઓ પણ ઊભી થતી હતી. આ સ્થિતિને ટાળવા અને ન્યાયપ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે નાણાં વિભાગે તમામ સરકારી વિભાગોને કડક સૂચનાઓ આપી છે.

નવા પરિપત્રમાં ચુકાદાના અમલ માટે સ્પષ્ટ સમયરેખા નક્કી કરવામાં આવી છે. હાઈકોર્ટનો ચુકાદો મળ્યાના 12 દિવસની અંદર સંબંધિત વિભાગે પોતાનો અભિપ્રાય રજૂ કરવો પડશે. ત્યારબાદ, 8 દિવસની અંદર આ દરખાસ્ત નાણાં વિભાગ સમક્ષ મોકલવી અનિવાર્ય રહેશે. ખાતાના વડાએ 10 દિવસમાં દરખાસ્તની ઝીણવટભરી ચકાસણી પૂર્ણ કરવાની રહેશે અને આખરી નિર્ણય 15 દિવસમાં લેવાનો રહેશે. આમ, કુલ 45 દિવસમાં ચુકાદાનો અમલ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે.

જો કોઈ અપવાદરૂૂપ સંજોગોમાં નિર્ધારિત 45 દિવસની સમયમર્યાદામાં ચુકાદાનો નિકાલ શક્ય ન બને, તો સંબંધિત વિભાગે કોર્ટ સમક્ષ ફરજિયાતપણે સમયવધારા માટે અરજી કરવાની રહેશે. આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય હેતુ કોર્ટના આદેશોના અમલીકરણમાં થતા બિનજરૂૂરી વિલંબને અટકાવવાનો અને ન્યાયિક પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાનો છે. નાણાં વિભાગ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી હવે રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને તેમના લાંબા સમયથી અટકેલા કેસોમાં ઝડપી ન્યાય મળવાની આશા બંધાઈ છે. આ ઉપરાંત, સરકારી વિભાગોની જવાબદારી અને કાર્યક્ષમતા પણ આ નિર્ણયથી વધુ સુનિશ્ચિત બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *