ચાંદીમાં રૂા.15 હજાર અને સોનામાં 3000નો ઉછાળો, શેર બજારમાં પણ હરિયાળી
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ સંપન્ન થતા જ આજે સપ્તાહના પ્રથમ દિવસે જ સોના-ચાંદી ઉપરાંત શેર બજારમાં જોરદાર તેજી સાથે શરૂઆત થઇ હતી. ભારતના અનેક ઉદ્યોગને આ ડિલથી ફાયદો થતો હોવાથી અનેક શેરના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે અને માર્કેટ ઉઘડતાની સાથે જ સેન્સેકસમાં 500 પોઇન્ટ અને નીફટીમાં 150 પોઇન્ટનો ઉછાળો આવ્યો છે. તો સાથોસાથ ચાંદી અને સોનામાં પણ તેજછ જોવા મળતા ચાંદીમાં 13,000 અને સોનામાં રૂા. 3000નો વધારો નોંધાયો છે.
આજે શેર બજાર ઉઘડતાની સાથે સેન્સેકસ 84,310 સુધી પહોંચ્યો હતો જયાર નીફટી 25922 સુધીની ઉચ્ચતમ સપાટી જોવા મળી હતી. આજે 2000 જેટલા શેરોમાં ખરીદી જોવા મળી હતી. જયારે માત્ર 500 શેરની સ્ક્રેપ્ટ લાલઝોનમાં જોવા મળી હતી. આજે સ્ટેટ બંક ઓફ ઇન્ડિયામાં 195 કરોડના સોદા પડતા શેરમાં 60 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો જેના પગલે બેંક નીફટી 520 પોઇન્ટ ઉપર જોવા મળી હતી મીડકેપ નીફટી પણ 500 પોઇન્ટ વધી છે. આજે અદાણી જૂથ ઉપરાંત ઇન્ડિગો, ડો.રેડ્ડી, બીએસઇ, સહિતના શેરમાં તેજી જોવા મળી છે. તો બીજી બાજુ સોના-ચાંદીમાં પણ તેજી જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીમાં નવા સેન્ટીમેન્ટ જોવા મળતા બંન્ને ધાતુમાં ચમક આવી છે.
આજના કારોબારની વિગતો જોઈએ તો, સોનું અગાઉના 1,55,451.00 ના બંધ ભાવની સામે આજે 1,56,000.00 પર ખૂલ્યું હતું અને ટૂંક જ સમયમાં તે 1,58,500.00 ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. સમાચાર લખવા સુધીમાં સોનામાં અંદાજે ₹2700 (+1.60%) નો વધારો જોવા મળ્યો છે. જોકે આજના કુલ ઉછાળાની વાત કરીએ તો તે 3000થી વધુનો થાય છે.
બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ તેજી આવી છે. ચાંદી તેના જૂના બંધ ભાવ 2,49,892.00 ની સરખામણીએ આજે 2,59,887.00 પર ખૂલી હતી અને ઉછળીને 2,64,885.00 ની સપાટીને સ્પર્શી ગઈ હતી. ચાંદીમાં એક જ દિવસમાં ₹14,220 (+5.60%) નો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
આ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક ભૌગોલિક તણાવ અને રોકાણકારોનો સોના પ્રત્યેનો વધતો વિશ્વાસ જવાબદાર છે. જાન્યુઆરી 2026માં ભારતીય ગોલ્ડ ઊઝઋમાં રોકાણમાં 98% નો જંગી વધારો થયો છે, જે દર્શાવે છે કે રોકાણકારો હવે ડિજિટલ ગોલ્ડ તરફ વધુ વળી રહ્યા છે. આ ઉપરાંત, અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં સંભવિત ફેરફાર અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અનિશ્ચિતતાને કારણે સોના અને ચાંદી જેવી સલામત રોકાણની મિલકતોમાં માંગ વધી રહી છે.
