હિરાસરમાં ઇમિગ્રેશન-લગેજ ટ્રાન્સફર શરૂ થશે, ઇન્ટરનેશનલ ફલાઇટ નહીં મળે

વિદેશ જતાં યાત્રિકો રાજકોટથી જ ઇમિગ્રેશન અને સામાન બુક કરી શકશે, ટૂંક સમયમાં નવી સુવિધા હિરાસર-દિલ્હી-મુંબઇ અને બેંગલુરુ એરપોર્ટને ઇન્ટરનેશનલ હબ તરીકે વિકસાવવાની યોજના રાજકોટમાં…

વિદેશ જતાં યાત્રિકો રાજકોટથી જ ઇમિગ્રેશન અને સામાન બુક કરી શકશે, ટૂંક સમયમાં નવી સુવિધા

હિરાસર-દિલ્હી-મુંબઇ અને બેંગલુરુ એરપોર્ટને ઇન્ટરનેશનલ હબ તરીકે વિકસાવવાની યોજના

રાજકોટમાં અમદાવાદ હાઇવે ઉપર બનાવવામાં આવેલ હિરાસર સહીત ચાર એરપોર્ટને ઇન્ટરનેશનલ હબ તરીકે વિકસાવવા કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. ત્યારે આ યોજના અમલી બન્યે હિરાસર એરપોર્ટ પણ દિલ્હી, મુંબઇ અને બેંગલુરૂ જેવા દેશના ટોચના એરપોર્ટની હરોળમાં આવી જશે. પરંતુ ઇન્ટરનેશનલ ફલાઇટ હિરાસરને કયારે મળશે તે હજુ નક્કી નથી.

આ સુવિધા શરૂ થતા આંતરરાષ્ટ્રીય મુસાફરોનું ઇમિગ્રેશન અને લગેજ કિલયરન્સ હિરાસર એરપોર્ટથી જ થઇ શકશે. જેના કારણે અન્ય એરપોર્ટ ઉપર મુસાફરોને ઇમિગ્રેશન અને લગેજ ટ્રાન્સફર સહીતની હેરાનગતિમાંથી મુક્તિ મળશે.

કેન્દ્ર સરકાર ભારતને વૈશ્વિક ઉડ્ડયન નકશા પર મજબૂત કરવા માટે એક ક્રાંતિકારી યોજના અમલમાં મૂકી રહી છે. દુબઈ, દોહા અને સિંગાપોર જેવા આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિટ પોઈન્ટ્સની જેમ હવે ભારતમાં પણ 4 મોટા એરપોર્ટને ’ઇન્ટરનેશનલ હબ’ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં ગુજરાતના રાજકોટ (હિરાસર) એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય ’હબ-એન્ડ-સ્પોક’ મોડલ પર કામ કરી રહ્યું છે. દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરોની સાથે રાજકોટને આ યાદીમાં સ્થાન મળ્યું છે. ઓરિજિન ક્લિયરન્સ મુસાફરો જે શહેરથી મુસાફરી શરૂૂ કરશે (દા.ત. રાયપુર), ત્યાં જ તેમનું કસ્ટમ્સ અને ઇમિગ્રેશન ક્લિયરન્સ થઈ જશે. રાજકોટ જેવા હબ એરપોર્ટ પર ઉતર્યા પછી, મુસાફરોએ ફરીથી સુરક્ષા કે સામાનની ચિંતા કર્યા વગર સીધી વિદેશની ફ્લાઈટ પકડવાની રહેશે. મુસાફરોનો સામાન એરપોર્ટ ઓથોરિટી દ્વારા જ સીધો કનેક્ટિંગ ફ્લાઈટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

સમાચાર અનુસાર, રાજકોટ એ ભારતનું પશ્ચિમ દિશાનું એવું મોટું એરપોર્ટ છે જે ગલ્ફ દેશોની ખૂબ નજીક છે. રાજકોટથી ઓમાન જેવા દેશોનું હવાઈ અંતર 2 કલાકથી પણ ઓછું છે. સૌરાષ્ટ્રના મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ બેલ્ટનું કેન્દ્ર હોવાથી અહીં પેસેન્જરની સાથે ’કાર્ગો મૂવમેન્ટ’ની પણ મોટી શક્યતાઓ છે. ઈન્ડિગો એરલાઇન્સ અત્યારે મંત્રાલય સાથે રાજકોટ હબ બાબતે ચર્ચામાં છે અને ટૂંક સમયમાં અહીંથી મોટી સંખ્યામાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂૂ થઈ શકે છે.

અત્યાર સુધી ભારતીય મુસાફરો વિદેશ જવા માટે એમિરેટ્સ કે કતાર એરવેઝ જેવી વિદેશી કંપનીઓ પર નિર્ભર હતા અને દુબઈ કે દોહા થઈને મુસાફરી કરતા હતા. હવે સરકાર ઈચ્છે છે કે એર ઇન્ડિયા અને ઈન્ડિગો જેવી ભારતીય કંપનીઓ પોતાના મોટા વિમાનો દ્વારા ભારતના જ હબ પરથી આ બિઝનેસ કવર કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *