કેન્દ્ર સરકારે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે દુખાવો અને તાવ માટે વપરાતી નિમેસુલાઇડ દવાના ’ઈમીડિએટ રિલીઝ’ (તાત્કાલિક અસર કરતા) ઓરલ ફોર્મ્યુલેશનના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. આ દવા લીવર પર ગંભીર આડઅસર (Liver Toxicity) કરતી હોવાનું અને માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોવાનું સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આરોગ્ય મંત્રાલયે 29 ડિસેમ્બર, 2025 ના રોજ બહાર પાડેલા એક જાહેરનામા અનુસાર, ડ્રગ્સ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ સાથે પરામર્શ કર્યા પછી ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 ની કલમ 26અ હેઠળ આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે માનવ વપરાશ માટે આ દવાનો ઉપયોગ જોખમી છે અને બજારમાં તેના સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે.
નિમેસુલાઇડ એક નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી ડ્રગ (NSAID) છે.
લીવર ટોક્સિસિટી અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત પ્રતિકૂળ અસરોને કારણે આ દવા લાંબા સમયથી વૈશ્વિક સ્તરે તપાસના દાયરામાં હતી. સરકારનું આ પગલું દવાની સુરક્ષાના ધોરણોને કડક બનાવવા અને ઉચ્ચ જોખમ ધરાવતી દવાઓને તબક્કાવાર દૂર કરવાના પ્રયાસોનો એક ભાગ છે.
