આર્થિક ભીંસથી ઇમિટેશનના ધંધાર્થીનો આપઘાત

આધેડે ઘરમાં જ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ: રાજકોટમાં મંદીએ વધુ એક વેપારીનો ભોગ લીધો રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક મંદીના કારણે અનેક લોકો કાળના ખપ્પરમાં…

આધેડે ઘરમાં જ ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ: રાજકોટમાં મંદીએ વધુ એક વેપારીનો ભોગ લીધો

રાજકોટ સહિત રાજ્યભરમાં આર્થિક મંદીના કારણે અનેક લોકો કાળના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં મોરબી રોડ પર આવેલા સેટેલાઈટ ચોકમાં જય ગુરુદેવ સોસાયટીમાં રહેતા ઇમિટેશનના ધંધાર્થીએ આર્થિકભીંસથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આધેડના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં આવેલ જય ગુરુદેવ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ બચુભાઈ પાનસુરીયા નામના 53 વર્ષના આધેડ બપોરના બે વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે ગળેફાંસો ખાઈ લીધો હતો આધેડને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી આધેડના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક કિશોરભાઈ પાનસુરીયા બે ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર છે કિશોરભાઈ પાનસુરીયા ઇમિટેશનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા પરંતુ હાલમાં ધંધામાં ચાલતી આર્થિક મંદીના કારણે આર્થિકભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *