દિવાળીના તહેવારો તથા તહેવારોની સિઝન દરમિયાન ગીર વિસ્તારમાં પ્રવાસીઓ અને યાત્રાળુઓ ની સંખ્યામાં થનારા વધારાને ધ્યાને રાખી, વન્યજીવોની સુરક્ષા તથા કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવાના હેતુથી ગીર પૂર્વ વન વિભાગ, ધારી દ્વારા વિશેષ તકેદારીનાં પગલાં હાથ ધરવામાં આવ્યાં છે. મદદનીશ વન સંરક્ષક ઉના ના સૂચન માર્ગદર્શન હેઠળ ગીર પૂર્વ વન વિભાગની જસાધાર રેન્જમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર વનપાલશ્રીઓ તથા વનરક્ષકશ્રીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ ફ્લેગ માર્ચ તથા બાઈક પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફ્લેગ માર્ચનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન બહારથી આવતા પ્રવાસીઓ કે સ્થાનિક વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શન, સિંહ પજવણી, રાત્રિના સમયે પ્રતિબંધિત વનવિસ્તાર કે અભયારણ્યમાં ગેરકાયદેસર પ્રવેશ જેવી પ્રવૃત્તિઓને અટકાવવાનો તેમજ વન્યજીવો અને માનવીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને અને વન્યજીવોના કુદરતી રહેઠાણમાં ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા સતત સતર્કતા રાખવામાં આવશે.ગીર પૂર્વ વન વિભાગ દ્વારા પ્રવાસીઓ, યાત્રાળુઓ તથા સ્થાનિક નાગરિકોને સલાહ અપાઇ છે કે, સાંજના તથા રાત્રિના સમયે બાળકોને ખુલ્લા વિસ્તારોમાં એકલાં ન રાખવા તેમજ ખુલ્લી જગ્યાએ ન સુવાડવા.
સિંહ દર્શનની લાલચમાં કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ભાગ ન લેવો તેમજ સિંહ કે અન્ય વન્યપ્રાણીઓને પજવવાં નહીં. પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ નહીં રાત્રિના સમયે કે અન્ય કોઈપણ સમયે પરવાનગી વિના પ્રતિબંધિત વનવિસ્તાર તથા અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ ન કરવો. શ્રદ્ધાળુઓએ વનવિસ્તારમાં રસ્તા ઉપર કે રસ્તાની બાજુમાં બિનજરૂૂરી વાહનો ઊભાં ન રાખવાં તથા વન્યપ્રાણીઓની અવરજવરમાં અવરોધ ઊભો ન કરવો. વન્યપ્રાણીને ખોરાક ન ખવડાવવો, તેની નજીક જવાનો પ્રયાસ ન કરવો તેમજ ફોટોગ્રાફી કે વીડિયો બનાવવાની લાલચમાં તેને પરેશાન ન કરવું. વનવિસ્તારમાં પ્લાસ્ટિક, ખાદ્યપદાર્થોના પેકેટ કે અન્ય કોઈપણ પ્રકારનો કચરો ન ફેંકવો તથા પર્યાવરણની સ્વચ્છતા જાળવવી.
