મોરબીમાં લાલબાગ નજીક એક ઘટાટોપ વૃક્ષનું ગેરકાયદે છેદન

મોરબીનાના લાલબાગ સરકારી કચેરી પાસે એક ઘટાદાર વૃક્ષને કોઈ પણ જાતની મંજૂરી વિના તોડી પાડવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર…

મોરબીનાના લાલબાગ સરકારી કચેરી પાસે એક ઘટાદાર વૃક્ષને કોઈ પણ જાતની મંજૂરી વિના તોડી પાડવામાં આવતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

ઘટનાની વિગતો મુજબ, લાલબાગ વિસ્તારમાં એક શખ્સ દ્વારા જાહેરમાં વૃક્ષ તોડી પાડવામાં આવ્યું હતું. આ જોઈને એક જાગૃત નાગરિકે ત્યાં પહોંચી વૃક્ષ કાપનાર વ્યક્તિની પૂછપરછ કરી હતી. જ્યારે નાગરિકે પૂછ્યું કે આ વૃક્ષ કેમ કાપી રહ્યા છો?, ત્યારે વૃક્ષ કાપનાર શખ્સે અજીબોગરીબ જવાબ આપતા જણાવ્યું કે, તેને કોઈ વ્યક્તિએ આ વૃક્ષ કાપવાનું કહ્યું હતું. જાગૃત નાગરિકે જ્યારે વધુ તપાસ કરી કે શું તે વ્યક્તિ કોઈ સરકારી અધિકારી હતી કે અન્ય કોઈ, ત્યારે વૃક્ષ કાપનાર શખ્સ તેની ઓળખ આપી શક્યો ન હતો અને પોતે પણ તે વ્યક્તિને ઓળખતો ન હોવાનું રટણ કર્યું હતું. અજાણ્યા શખ્સના ઈશારે સરકારી જગ્યા પાસેનું વૃક્ષ કાપી નાખવાની આ ઘટનાએ અનેક તર્ક-વિતર્ક સર્જ્યા છે.

હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે સરકારી કચેરીની બિલકુલ નજીક જ આ પ્રકારે ગેરકાયદેસર રીતે વૃક્ષનું છેદન થઈ ગયું અને તંત્રને તેની જાણ સુધ્ધાં ન થઈ! સરકારી કચેરીની નાકની નીચે જ જો આ રીતે વૃક્ષો કપાતા હોય, તો શું તંત્ર ઘોર નિંદ્રામાં છે? જવાબદાર અધિકારીઓ આ બાબતે તપાસ કરી યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *